ગુજરાતના 206 જળાશયોમાં 86.70 ટકા જળસંગ્રહ, 149 જળાશયો હાઇ ઍલર્ટ પર
Gujarat Monsoon: ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં વહેલો સાતમી જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. આ વખતે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 31,5836 મિલિયન ક્યુબિક ફૂટ જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 94.54 ટકા છે. બીજી તરફ રાજ્યના 206 જળાશયોમાં 86.70 ટકા જળસંગ્રહ છે.
રાજ્યના 149 જળાશયો હાઇ ઍલર્ટ
ગુજરાતમાં હાલ 117 જળાશયો 100 ટકા, 51 જળાશયો 70 ટકાથી 100 ટકા, 18 જળાશયો 50 ટકાથી 70 ટકા, 13 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 7 જળાશયોમાં હજુ પણ જળસ્તર 25 ટકાથી ઓછું છે. આમ 149 જળાશયો હાઇ ઍલર્ટ, 11 જળાશયો ઍલર્ટ અને 8 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
સૌરાષ્ટ્રના 83 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા
ઉત્તર ગુજરાતના 15માંથી 2, મધ્ય ગુજરાતના 17માંથી 9, દક્ષિણ ગુજરાતના 13માંથી 9, કચ્છના 20માંથી 14, સૌરાષ્ટ્રના 141માંથી 83 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. સરદાર સરોવરમાં એક મહિના અગાઉ 88.35 ટકા જળસંગ્રહ હતો. આ ઉપરાંત એક મહિના અગાઉ 100 ટકા ભરાયેલા હોય તેવા જળાશયોની સંખ્યા 53 હતી.
આ પણ વાંચો: હવામાન વિભાગનું ફરી મોટું અપડેટ, ગુજરાત સહિત આ 20 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં પાંચ દિવસની આગાહી
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આજે (16મી સપ્ટેમ્બર) અને આવતીકાલે (17મી સપ્ટેમ્બર) અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભગના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
18મીથી 21મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.