ગુજરાતના વાતાવરણમાં પલટો, સૌરાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ
Weather In Gujarat: કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો
છોટાઉદેપુરના આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગરમીથી રાહત મળતા લોકો ખુશ
આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે.
12મી જૂન સુધીમાં ભારે વરસાદ પડી શકે છે
ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.