ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી! ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, ગરમીથી મળી રાહત
Monsoon Updates | કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો.
ગરમીથી રાહત મળતા લોકો ખુશ
ઉલ્લેખનીય છે કે આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.
અનેક જિલ્લાના વાતાવરણમાં ઠંડક
બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
હવે પાંચ દિવસ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે.