અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે (30મી જૂન) સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. 

Gujarat Rain Live Update

04.10 PM

રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.

02.50 PM

અમરેલી જિલ્લાના લાઠી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. લાઠીના ઈંગોરાળાનો ચેકડેમ છલકાયો છે. તેમજ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સુરેન્દ્રનગરમાં દુ:ખદ ઘટના બની

ગુજરાતમાં વરસાદ વચ્ચે સુરેન્દ્રનગરમાં એક દુ:ખદ ઘટના બની છે. જેમાં પાટડી તાલુકાના પાનવા ગામે 16 વર્ષિય સગીરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાને પગલે સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

નર્મદામાં ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ શરુ 

નર્મદા જિલ્લામાં ચોમાસાના આગમનથી ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને 24 કલાક ઈમરજન્સી કન્ટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયા છે. બોટાદ જિલ્લામાં બે દિવસથી મેઘમહેર યથાવત રહી છે. ગઢડા તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી નદીમાં વરસાદી પુર આવવાની શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તાકિદ કરવામાં આવી છે. 

02.45 PM 

અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. તો બીજી તરફ સુરતમાં પણ મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક અમદાવાદમાં ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હાલ 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.  અમદાવાદ ઉપરાંત સુરત,વડોદરામાં પણ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. 

02.30 PM 

અમદાવાદમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરુઆત થઈ હતી. છેલ્લા એક કલાકથી પડી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદથી વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. 

02.15 PM

ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના દાવા પોકળ સાબિત થયા છે. 

01.37 PM

દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ

પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. દ્વારકા સહિત ખંભાળિયા, ભાટિયા, કલ્યાણપુર અને ભાણવડમાં વરસાદી માહોલ જામ્યો છે. 

12.48 PM

અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સુરતમાં તો મુશળધાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

12.44 PM

રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે (30મી જૂન) બપોરે એક વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા ભાવનગર,રાજકોટ,અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે. આ સાથે નવસારી, વલસાડ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

11.32 AM

મધ્ય અને દ. ગુજરાતમાં ધોધમાર વરસાદ 

આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં 3.9, મહુવા (સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

11.05 AM

અમદાવાદમાં વરસાદ શરૂ 

આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

10.30 AM

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ 2 - image

9:44 AM

આ જિલ્લામાં મેઘસવારી

સુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

9:02 AM

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ 

અમરેલી જિલ્લામાં આજે (29મી જૂન) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ ફરી એકવાર ભીંજાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

ધોરાજીમાં વહેલી સવારથી વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયુ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. 

આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટ એરપોર્ટ સર્જાઈ મોટી દુર્ઘટના

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો છે.

અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ 3 - image


Google NewsGoogle News