Get The App

વરસાદ બન્યો આફત: દાંતીવાડા-પોશીના-ભુજમાં 2 ઇંચ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Ahmedabad rain File video

Gujarat Rain Update: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે (28મી જૂન) 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. નોંધનીય છે કે બુધવારે વધુ કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. 

04.30 PM

સાવરકુંડલાના ગોરડાકા, લુવારા અને રામગઢમાં વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદની આગાહીના પગલે NDTFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે બોટાદના તુલસીનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

04.05 PM

આજે બનાસકાંઠાના દાંતીવાડા, સાબરકાંઠાના પોશીના તથા ભુજ અને ઉમરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને બફારાથી હતો પરંતુ વરસાદના લીધે લોકોએ રાહત અનુભવી છે. 

આજે બીજા દિવસે પણ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  આજે વહેલી સવારથી બપોર સુધી રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી બોટાદ શહેરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બોટાદના જિલ્લાના ગઢડા, ઢસા, ગોરડકા, ટાટમ, ઢસા, નાગલપર, જોટીગડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 

03.02 PM

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ

શહેરમાં સોમવારે (25 જૂન) મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે ત્યારબાદ વરસાદે વિરામ લેતા શહેરમાં બફારા અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ પછી ગુરુવારે (27 જૂન) વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. ત્યારે આજ (28 જૂન) સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેના પગલે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઇવે, પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

01.08 PM

નવસારી, તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ

આજે મળતા સમાચાર મુજબ નવસારી શહેરમાં ધીમીધારે વરસાદ સવારથી શરુ થયો હતો. નવસારીના જલાલપોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો રોલી વિસ્તારમાં પણ અનરાધાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. નવસારી ઉપરાંત તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઉચ્છલ નિઝર હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સવારથી જ વરસાદ શરુ થયો છે. જેમાં અમરેલીના જિલ્લાના ગોરડાકા, લુવારા, રામગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

12.50 PM

રાજ્યમાં આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ

ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અને શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે. વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં ટાવર રોડ, પાળીયાદ રોડ, ગઢડા રોડ વિસ્તાર તેમજ ઢીકવાળી, સેથલી, લાઠીદડ સહિતના ગામમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક થતાં મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ ખોલાયો છે. તો અંબાજીમાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. અને 3 દિવસમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ ક્યાં વિસ્તારમાં વરસાદ ઘમરોળશે

09.50 AM

આજે ગુજરાતમાં ક્યાં ભારે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામગનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

09.10 AM

ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

વરસાદ બન્યો આફત: દાંતીવાડા-પોશીના-ભુજમાં 2 ઇંચ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી 2 - image

09.05 AM

ગુજરાતમાં NDRFની કુલ 8 ટીમો રવાના

ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.

08.30

ગુરુવારે સૌથી વધુ વરસાદ પોશીનામાં નોંધાયો

અમદાવાદ શહેરમાં ગુરુવારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. અને ઉકળાટ-બફારા સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહીને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. ત્યારે આજે વહેલી સવારે શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. અને વરસાદી માહોલ પણ છવાયો છે.  ગુજરાતમાં ગુરુવારે સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ત્રણ તાલુકામાં 40 કે તેથી  વધુ મી.મી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 46 મી.મી.વરસાદ સાબરકાંઠાના પોશીનામાં નોંધાયો હતો. 

08.15

ગુરુવારે રાજ્યના કુલ 40 તાલુકામાં વરસાદ નોંધાયો 

આ ઉપરાંત બનાસકાંઠાન દાંતીવાડામાં સાંજે બે જ કલાકમાં 41 મી.મી વરસાદ નોંધાયો હતો. તો કચ્છના ભુજમાં 40 મી.મી તથા નખત્રાણામાં 39, બોટાદના ગઢડામાં 35, ભાવનગરમાં શહેરમાં 33 , કચ્છના માંડવીમાં 31 અને રાજકોટના જેતપુરમાં 31 મી.મી.વરસાદ નોંધાયો હતો. અમરેલીના બગસરામાં 10 મી.મી.વરસાદ નોંધાયો હતો. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 40 તાલુકામાં 10 કે તેથી વધુ મી.મી.વરસાદ પડ્યો હતો.જ્યારે અન્ય તાલુકામાં 1થી લઈને 9 મી.મી.વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં 4 મી.મી.વરસાદ નોંધાયો હતો. કુલ 107 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

વરસાદ બન્યો આફત: દાંતીવાડા-પોશીના-ભુજમાં 2 ઇંચ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી 3 - image


Google NewsGoogle News