mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાયા

Updated: Jul 1st, 2024

Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે (30મી જૂન) 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી જુલાઈ) 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

• Gujarat Rain Live Update

4.47 PM

અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના પાલડી, જમાલપુર, આશ્રમ રોડ, ઇન્કમટેક્સ, સરદારનગર નરોડા, કોતરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 

3.26 PM

સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરાયા છે.

જૂનાગઢ જિલ્લાના ચાર જળાશયો ઓવર ફ્લો થયા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે, જિલ્લાના ચાર જળાશયો ઓવર ફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવર ફ્લો થયા છે. 

જામનગરના અનેક ડેમોમાં પાણી ભરાયા 

જામનગરમાં ધોધમાર વરસાદથી રંગમતી નદીમાં નવા નીર આવવાની સાથેસાથે રણજીતસાગર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. જ્યારે વાગાડીયા ડેમ થયો ઓવર ફ્લો થઈ છે. બીજી તરફ કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમમાં નવા નીર આવ્યા છે.

3.05 PM

કચ્છ જિલ્લામાં મેઘમહેર

કચ્છના ગાંધીધામ, આદિપુર અને કંડલા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ગાંધીધામમાં એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

12.13 PM

26 રસ્તાઓ તૂટી ગયા, 38 ગામમાં લાઇટો ડૂલ થતાં અંધારપટ છવાયો

ગુજરાત રાજ્યમાં ગઈકાલે રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીમા 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તાના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે. 

11.45 AM

માણાવદરમાં ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણાવદરમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

11.24 AM

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી 12મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.'

10.50  AM

ઉપલેટામાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ

ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.  ઉપલેટામા ત્રણ કલાકમા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ઉપલેટા શહેરના અનેક વિસ્તારમા પાણી ભરાઈ ગયા છે. 

10.24  AM


રાજ્યમાં આજે મેઘરાજાની જોરદાર બેટિંગ

આજે (પહેલી જુલાઈ) વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 120 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખંભાળિયામાં કુલ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 14 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં કલ્યાણપુરમાં 48 મિ.મી., માણાવદરમાં 26 મિ.મી., કુતિયાણા, જુનાગઢ, જુનાગઢ શહેરમાં 35-35 મિ.મી., પડધરીમાં 33 મિ.મી., સૂત્રાપાડામાં 31 મિ.મી., જુનાગઢના માંગરોળમાં 29 મિ.મી., હાંસોટમાં 29 મિ.મી., મેંદરડામાં 27 મિ.મી., જામકંડોરણા, જેતપુર, કેશોદ અને કોડીનારમાં 26 મિ.મી. વરસાદ ખાબક્યો છે, જ્યારે 100 તાલુકામાં સામાન્યથી એક ઈંચથી જેટલો વરસાદ ખાબક્યો છે.

8.19 AM

હવામાન વિભાગની આગાહી

સોમવારે ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ 6 ઈંચ સુધીની આક્રમક બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ ઊભી થતા જનજીવનને અસર પહોંચી હતી. બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઊભી થવા સાથે 39 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી જિલ્લામાં બે મકાન તૂટી પડવાની ઘટના બની હતી.

ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાયા 2 - image

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જલાલપોરના આરક સિસોદ્રા ગામે આશિક બાબુભાઈ હળપતિના આવાસાની દિવાલ તૂટી પડતા પરિવારના ચાર સભ્યો દબાયા હતા. ચારેયને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડાંગ જિલ્લામાં રવિવારે દિવસભર વરસાદની હેલી જારી રહેતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતુ. વીક એન્ડ હોવાથી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું હતુ. 

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે બપોર બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને મહેર કરી હોય તે પ્રકારે વરસાદ પડયો હતો. છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાયા 3 - image

Gujarat