Get The App

ઑગષ્ટ-સપ્ટેબર મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો પણ ગરમી વધુ રહેશે, ઉનાળા જેવો થશે અહેસાસ

ચોમાસાના 2 માસમાં 26 રાજ્યોમાં નોર્મલ,10 રાજ્યોમાં ઓછો વરસાદઃ સૌરાષ્ટ્રમાં નોર્મલથી 48 ટકા વધુ અને ગુજરાતમાં નોર્મલ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ઑગષ્ટ-સપ્ટેબર મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો પણ ગરમી વધુ રહેશે, ઉનાળા જેવો થશે અહેસાસ 1 - image


Heat wave in August-September : કેન્દ્રના મૌસમ વિજ્ઞાાન વિભાગે ચોમાસાના ચાર પૈકી બાકી રહેલાં બે માસ માટે જાહેર કરેલા પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બાકીના ગુજરાતમાં બન્ને માસ દરમિયાન નોર્મલથી વધારે વરસાદની શક્યતા છે. ચોમાસાના પૂર્વાર્ધના બે માસમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 75 ટકા અને કચ્છમાં 85 ટકા વરસાદ વરસી ગયો છે ત્યારે ગુજરાતમાં મધ્ય, પૂર્વ, ઉત્તર ભાગના જિલ્લાઓમાં માત્ર 43 ટકા વરસાદ વરસ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 61 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ, આજે જારી પૂર્વાનુમાન મુજબ હવે ચિત્ર ઉલટું થશે. 

ઑગષ્ટ માસમાં કચ્છ તથા જામનગર, દ્વારકા,પોરબંદરથી રાજકોટ સુધીના પટ્ટા પર કે જ્યાં આજ સુધીમાં મૂશળધાર વરસાદ વરસી ગયો છે ત્યાં વરસાદમાં નોર્મલ કરતાં મોટી ખાધ પડવાની શક્યતા છે. જ્યારે બાકીના ગુજરાતમાં ચોમાસું નોર્મલ રહેવા સંભાવના છે. જ્યારે ઑગષ્ટ-સપ્ટેમ્બર બે માસમાં એકંદરે ગુજરાતમાં સામાન્યથી વધુ સારો વરસાદ વરસવાની શક્યતા છે, સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતાં ઓછો વરસાદ વરસશે.

આ પણ વાંચો : તૈયારી રાખજો! આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં આ બે મહિના તાપમાન કેવું રહેશે તેનું પણ પૂર્વાનુમાન જાહેર થયું છે. જે મુજબ ઑગસ્ટમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં મેઘવર્ષાને બદલે તાપ વરસશે તેવી શક્યતા છે. જ્યારે બન્ને માસમાં સમગ્ર રાજ્યમાં એકંદરે તાપમાન ઊંચું રહેવાની આગાહી છે. 

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો અને ગરમી વધુ પડશે. જેની અસર એ થશે કે આ મહિનામાં શ્રાવણ માસ, મેળા, ગણપતિ ઉત્સવ વગેરેમાં વરસાદ ઓછો નડશે પરંતુ, તાપ વધુ નડે તેવી સંભાવના છે. જો કે, મોસમ ક્યારે ચિત્ર બદલે તે નક્કી નથી ત્યારે કોઈ વાવાઝોડા જેવી સિસ્ટમ ધસી આવે તો મોસમ બદલાઈ શકે છે. હાલનું અનુમાન વિવિધ મોડેલ પર વૈજ્ઞાાનિકોએ તૈયાર કર્યું છે. 

આ પણ વાંચો : કચ્છમાં જૂન-જુલાઈમાં 17 ઇંચ: સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 30 ઇંચ, સૌથી ઓછો ભચાઉ તાલુકામાં માત્ર 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં આજ સુધીના બે માસમાં 440 મિ.મિ. અર્થાત્ આશરે 17.50 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં કેટલાંક સ્થળોએ રૅકોર્ડબ્રેક 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદ સરેરાશ કરતાં 48 ટકા વધુ છે અને એ રીતે સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદમાં ગોવા પછી બીજા ક્રમે સૌરાષ્ટ્રમાં છે, જ્યારે બાકીના ગુજરાતમાં 488 મિ.મિ.  (19.50 ઇંચ) એટલે કે આજ સુધી સામાન્ય રીતે પડતો હોય તેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર દેશમાં બે માસમાં 9 રાજ્યમાં નોર્મલ કરતાં વધારે, 17 રાજ્યમાં નોર્મલ, 10 રાજ્યમાં ઓછો વરસાદ વરસ્યો છે.

ગુજરાત સહિત 9 રાજ્યમાં નોર્મલ કરતાં વધુ વરસાદ રહ્યો

નોર્મલથી વધુ વરસાદ 

1.ગુજરાત 

2.સિક્કીમ

3.ગોવા

4.મહારાષ્ટ્ર

5.આંધ્રપ્રદેશ

6.તેલંગાણા

7.તમિલનાડુ

8.પુડુચેરી

9.કર્ણાટક

નોર્મલથી ઓછો વરસાદ

1.નાગાલેન્ડ

2.મણીપુર

3.મિઝોરમ

4.ઝારખંડ

5.બિહાર

6.હરિયાણા

7.ચંડીગઢ

8.પંજાબ

9.હિમાચલપ્રદેશ

10.જમ્મુ-કાશ્મીર


Google NewsGoogle News