જામનગરમાં વરસાદી માહોલ જામ્યો, ગુંદાસરી બરડીયામાં નદીમાં ભેંસો તણાઈ
Jamnagar Rain : રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય, તે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત જામનગરમાં પણ ભારે વરસાદ અને પુરના કારણે વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ જામનગરના ગુંદાસરી, બરડીયામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. પુરના કારણે નદીઓ ડરામણા વહેણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત નદીમાં ભેંસનું આખુ ધણ તણાયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
જામનગરના ગુંદાસરી, બરડીયામાં નદીમાં ભેંસો તણાઈ
રાજ્યમાં વરસાદી માહોલ જામતા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોટી માત્રામાં વરસાદ પડવાથી ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ નિર્માણ પામી છે. તેવામાં જામનગરના ગુંદાસરી, બરડીયામાં સારો એવો વરસાદ વરસતા ગામમાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેમાં ગામની નદીના પાણીમાં ભેંસોનું ધણ તણાતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નદીના પાણીમાં ભેંસો તણાતી હોવાના દ્રશ્યો જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ : માછીમારોએ દરિયા ન ખેડવો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજે રાજ્યના બરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, ડાંગ સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી કરી હતી. ઉપરાંત, દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિકલાક કરતા વધારે ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી.