રાજ્યમાં હાલ કોઈ વરસાદનું અલર્ટ નહીં, પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં ગત દિવસોમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે અને મોટી જાનહાનિ પણ થઈ છે. પરંતુ આ વચ્ચે એક ખેડૂતો માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે.
રાજ્યમાં હાલ વરસાદ અંગે કોઈ અલર્ટ નથીઃ હવામાન વિભાગ
જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ વરસાદ અંગે કોઈ અલર્ટ નથી. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરશી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે. રવિવારે જેવો વરસાદ થયો હતો તેવો ભારે વરસાદ હવે નહીં પડે. હવે હવામાન સુકુ રહેશે.
રાજ્યમાં કાતિલ ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદ બાદ આજથી કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે, તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે.
કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇ સહાયની જાહેરાત
રાજ્યમાં કમોસમી વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતને થયું છે. જે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસમાં રાજ્યના 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના લીધે અંદાજે 3થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન થયું છે. મોટા ભાગે વરસાદને કારણે કપાસ, અરેંડા, તુવેરને નુકશાન થયું છે. રાજ્યમાં આકાશી આફતથી કુલ કેટલું નુકશાન થયું તે સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. તુવેરના પાકનું વાવેતર 2 લાખ હેક્ટરમાં થયું છે. જેને મોટા ભાગે નુકશાન થયાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ખરીફ પાકને નુકશાની થયાની ભીતિ છે. જોકે અગાઉ જાહેર કરાયેલ સૂચનાના કારણે મોટા ભાગે ખેડૂતોએ પાકને સુરક્ષિત કર્યો હતો. જેમાં સાવચેતીના પગલાના કારણે ખેડૂતોને ઓછુ નુકશાન વેઠવું પડ્યું છે. જ્યારે 25 લાખ હેક્ટર અરેંડા, કપાસ, તુવેર જેવા પાકો ઉભા હતા. રવિપાકનો પ્રારંભિક તબક્કો હોવાથી ઓછા નુક્શાન થવાની શક્યતા છે. કપાસ અને દીવેલામાં પણ મોટું નુકશાન થયું નથી. તેમજ બાગાયતી પાકોમાં પણ નહીવત નુકશાન થયું છે. આ માટે 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. SDRF નિયમ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય અપાશે.
મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય કરશે રાજ્ય સરકાર
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી સર્જી છે. ભારે વરસાદના કારણે પાક અને મોટી જાનહાનિ પણ થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 24 લોકોના મોત થયા. ત્યારે મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર સહાય ચૂકવશે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જોગવાઈ કરાઈ છે. મહત્વનું છે કે, વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા, ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. જ્યારે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.