ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ ઍલર્ટ જાહેર, ત્રણ સિસ્ટમ સક્રિય
Gujarat Rain Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સાયક્લોનિક સર્ક્યુલેશનની 3-3 સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ગત રાત્રે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી સહિતના અનેક વિસ્તારોમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો. આ દરમિયાન આજના વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે ફરી ટેન્શન વધારતું ઍલર્ટ જાહેર કર્યું છે.
જાણો હવામાન વિભાગની આગાહી...
હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેના પગલે હજુ ધોધમાર વરસાદ વરસશે તેવા એંધાણ છે. અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 82થી 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ફરી ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
જ્યારે બીજી બાજુ અમદાવાદમાં હજુ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટની સ્થિતિ જણાવાઈ રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, કચ્છ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, રાજકોટ, દીવ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.