વીજળી પડવાથી દુર્ઘટના : કડીમાં એક ખેડૂતનું મોત, બારડોલીમાં 8 મહિલાઓ દાઝી
વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Accident due to lightning : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં માવઠાનો મહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહીતના શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. એવામાં ઘણી જગ્યા પર વીજળી પડવાને કારણે દુર્ઘટના પણ સર્જાઈ હતી.
કડીમાં વીજળી પડવાથી એક યુવક સહીત ત્રણ પશુના મોત
ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ જોવા મળી હતી. એવામાં મહેસાણાના કડીના શિયાપુરમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા મોત નિપજ્યુ. તેની સાથે જ વાડામાં બાંધેલા 3 પશુઓ પર પણ વીજળી પડતા પશુઓના મોત થયું.
બારડોલીમાં 8 મહિલાઓ દાઝી
સુરતમાં પણ ધોધમાર વરસાદના ઝાપટા પડ્યા હતા. તો સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની. જેના કારણે ખેતરમાં વીજળી પડતા ખેતમજુરો દાઝી ગયા હતા. જેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે જ્યાં વીજળી પડી તે વિસ્તારમાં શ્રમિક મહિલાઓ કામ કરી રહી હતી જેમના પર વીજળી પડી હતી. આઠેક મહિલાઓ આ દુર્ઘટનાનો ભોગ બની હતી જે પૈકી એક મહિલાને ગંભીર ઇજજા થઇ છે.
સુરતમાં આકાશમાંથી આફત વરસી કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી
સુરતના ભાઠા ગામ માં એક મોટું વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. અચાનક પવન સાથે વૃક્ષ તૂટી પડતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. પાલિકાની ટીમ ભાઠા ગામ પર પહોંચી ગઈ હતી તેની સાથે નિરીક્ષણ માટે મેયર, સ્થાયી અધ્યક્ષ સાથે કેટલાક નગર સેવકો પણ પહોંચી ગયા હતા. આ ઉપરાંત સુરત ઓલપાડ રોડ પર સરોલીથી તળાદ વચ્ચે રોડ પર અનેક જગ્યાએ વૃક્ષ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત આ રોડ પર અનેક જગ્યાએ હોર્ડિગ્સ તૂટી પડ્યા હતા. હતા. વિઝીબીલીટી ઝીરો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
વડોદરા શહેર અને જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયુ અને અંધારું વાતાવરણ સર્જાયું હતું સાથે જ 10 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા ચાલુ થયા હતા અને ઠંડો પવન ફૂંકાવાની સાથે જ વરસાદી ઝાપટા ચાલુ થયા હતા. વરસાદ વરસવાની સાથે જ વાતાવરણ ઠંડુ બની ગયું હતું અને તાપમાનનો પારો નીચે ગગડી ગયો હતો.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.