ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી
PMJAY Scheme: અમદાવાદ સહિત ગુજરાતભરની ખાનગી હૉસ્પિટલોમાં આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.
PMJAY હેઠળ અસ્થાયી રૂપે કરાઈ બંધ
ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્સ ફોરમે એક યાદીમાં જણાવ્યું છે કે, 'PMJAY નો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. PCI અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની રહી છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે PMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી
જિલ્લા કલેક્ટરોને અપાયું આવેદનપત્ર
આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને PMJAYના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હૉસ્પિટલો અને કાર્ડિયોલૉલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.
આ પણ વાંચોઃ કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી
ખાનગી હૉસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા રજૂ કરાયેલા મુદ્દા
- 2015માં 'મા' યોજના હેઠળ PCI માટે મળતાં 45 હજારનો દર હવે PMJAY હેઠળ ફક્ત 50800 છે, જે માત્ર 1.22 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્ટાફ, અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે.
- 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવત્ છે.
- જીવનરક્ષક સારવાર હોવા છતાં IABPનો સમાવેશ PMJAY હેઠળ કરાતો નથી.
- CTVS અને PCI પેકેજ વચ્ચે અસમાનતા.
- PMJAY પેકેજ માટે શહેરનું વર્ગીકરણ નથી.