ગુજરાતના વીજ વપરાશકારોને મોટી રાહત : સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો
Gujarat Electricity Fuel Surcharge : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાતો હતો. જોકે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે.
ફ્યુઅલ ચાર્જ ઘટાડાતા 1.70 કરોડ ગ્રાહકો લાભ થશે
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જના ઘટાડા અંગે માહિતી આપતા કહ્યું કે, જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જ રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસુલ કરવાનો થાય છે. જેમાં 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કરાતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને 1340 કરોડ રૂપિયાનો લાભ થશે. સામાન્ય રીતે વખતો વખત આ સરચાર્જમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે. જો કે આ ચૂંટણી વર્ષ હોવાથી લાંબા વખત પછી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.