'થોડી તકલીફ વેઠી લેજો...' પક્ષપલટુ મોઢવાડિયાનું કોઈ સાંભળતું નથી? સ્થાનિકોને આપ્યું આશ્વાસન
Arjun Modhvadia news | પોરબંદરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના પગલે પોરબંદર પંથક પાણી પાણી થયુ છે. હજુય ઘણાં ઠેકાણે વરસાદી પાણી ભરાયેલાં રહ્યા છે જેથી સ્થાનિકોની સમસ્યા હલ થઈ શકી નથી. જોકે, પક્ષપલટુ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું ય કોઈ સાંભળવા નથી. આ કારણોસર મોઢવાડિયાએ લોકોને કહેવું પડ્યુંકે, તમે ધીરજ ધરી છે. સહન કર્યું છે. હજુ થોડીક તકલીફ વેઠી લેજો. બધુ સારુ થઈ જશે. વિપક્ષમાં રહીને હાકોટા પાડતાં મોઢવાડિયા સત્તા સાથે ગોઠવાયા છે ત્યારે તેમની ય ભાજપના ધારાસભ્યો જેવી દશા થઇ છે.
પોરબંદર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે જેથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. લોકોના ઘરમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયાં છે. પાલિકાની બેદરકારીને પગલે લોકોના ગટરના પાણીમાં જીવી રહ્યાં છે. પંપિંગ સ્ટેશન બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. વરસાદી પાણીના નિકાલની સમસ્યા વકરી છે ત્યારે પક્ષપલટુ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પંપીગ સ્ટેશનની મુલાકાત લઈને સ્થાનિકોને એવુ કહ્યું કે, તમે ધીરજ ધરી છે. ઘણું સહન કર્યું છે. સહકાર આપ્યો છે. બને તેમ જલદી વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. મારી વિનંતી છે કે, તમે હજુ થોડો સમય તકલીફ વેઠી લેજો.
સ્થાનિકોનું કહેવુ છે કે, વિપક્ષના નેતા રહી મોઢવાડિયાએ સરકાર સામે હાકોટા પાડીને પ્રજાના કામો કર્યા. હવે તેમનું કોઈ સાંભળતુ નથી.ભાજપમાં તેમનું ઉપજતુ જ નથી એટલે તેઓ સ્થાનિકોને સલાહ આપી રહ્યા છેકે, તમે હજુ તકલીફ વેઠજો. પોતાના જ મતવિસ્તારમાં પ્રજાના કામો ન થતાં મોઢવાડિયા માત્ર ઠાલા આશ્વાસન આપવા મજબૂર બન્યાં છે.