સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓની ઝૂંબેશ:નથી જોઈતા ભથ્થા, નથી આપવું એફિડેવિટ, હવે ગ્રેડ-પે જ અમારી માંગ
- એફિડેવિટ માગતી સરકાર મોંઘવારી નિયંત્રણની બાંયધરી આપે : પોલીસ કર્મીઓ
અમદાવાદ,તા.2 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
'અમારે નથી જોઈતા ભથ્થા અને નથી આપવું એફિડેવિટ. હવે ગ્રેડ-પે એ જ અમારી માંગ.' વોટ્સ-એપ સહિતના સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસના સિમ્બોલ સાથે માગણી મુજબના ૨૮૦૦, ૩૬૦૦, ૪૨૦૦ના ગ્રેડ-પે આપવાની વાત પોલીસ કર્મચારીઓ દ્વારા વેગવાન બનાવવામાં આવી છે. આક્રોશરૂપી પોસ્ટ મુકવામાં આવી છે તેમાં સીંગતેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, નોટબૂકો અને મગ સહિતની વસ્તુઓના પાંચ વર્ષના ભાવનો તફાવત મુકી એવો સવાલ ઉભો કરાયો છે કે, 'બોલો, સરકાર બાંહેધરીપત્રક માગે છે, મોંઘવારી નિયંત્રણનો સરકાર આપશે બાંહેધરીપત્રક?'.
ગ્રેડ-પેને બદલે ભથ્થાંનો ઠરાવ કરી ભવિષ્યમાં કોઈ પ્રકારના ભથ્થાં, લાભ મેળવવા દાવો નહીં કરવાના એફિડેવિટ સામે આક્રોશ
રાજ્યના કોન્સ્ટેબલથી લઈને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના અંદાજે એક લાખ પોલીસ કર્મચારીઓમાં ભવિષ્યમાં કોઈ પ્રકારના લાભ, ભથ્થાં મેળવવા દાવો નહીં કરવાના એફિડેવિટ સામે આક્રોશ પ્રવર્તે છે. પોલીસ કર્મચારીઓની સોશિયલ મીડિયા વોર સરકાર પર કેટલું દબાણ લાવી શકશે? તે સૌથી મોટો સવાલ છે. દેશના બીજા રાજ્યોની પોલીસને મળે છે તેવા પગાર મળવા જોઈએ તેવી લાગણી સાથે ગ્રેડ-પેની માગણી કરતી પોલીસને ભથ્થાં આપીને ગુજરાત સરકારે ૫૦૦ કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. પોલીસ કર્મચારીઓને ઓગષ્ટ મહીનાથી જ ભથ્થાં ચૂકવાશે તેવી જાહેરાત ઠરાવ સાથે કરવામાં આવી છે. પરંતુ, ભથ્થાં મેળવવા સાથે ભવિષ્યમાં કોઈ લાભ કે ભથ્થા મેળવવા દાવો નહીં કરવાના બાંહેધરીપત્રક લખી આપવા સામે પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જે એફિડેવિટ કરવાની થાય છે તેની વિગતો જાહેર થતાં જ પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. વિવિધ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. પોલીસ કર્મચારીઓના અનેક ગુ્રપમાં અનેક પોલીસ કર્મચારીઓએ પ્રોફાઈલ ફોટોમાં તો અનેક પોલીસ કર્મચારીઓએ સ્ટેટસમાં વિરોધ વ્યક્ત કર્યો છે. બાંહેધરીપત્રકનો ફોટો મુકી તેના ઉપર ચોકડી લગાવી વિરોધ વ્યક્ત કરાયો છે. તો, ભથ્થાં નથી જોઈતા અને એફિડેવિટ નથી આપવું તેમજ ગ્રેડ-પે જ અમારી માંગ એવા લખાણ પણ પ્રોફાઈલ અને સ્ટેટસમાં ફરી રહ્યાં છે.
પોલીસ કર્મચારીઓના સ્ટેટસ અને પ્રોફાઈલમાં મોંઘવારીનો મુદ્દો પણ ઉઠાવાયો છે. વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨ના જીવનજરૂરી વસ્તુઓના ભાવ મુકી પાંચ વર્ષમાં થયેલા ભાવવધારાની વાત છંછેડાઈ છે. પાંચ વર્ષમાં સીંગતેલના ભાવમાં ૧૨૦૦ રૂપિયા, ગેસ સિલિન્ડર ૬૬૯ રૂપિયા, ડીઝલ ૧૭ અને પેટ્રોલ ૨૪ રૂપિયા, નોટબૂકો અને મગ ૨૦ રૂપિયા તેમજ દૂધ લિટરે ૮ રૂપિયા મોંઘું થયું છે. ધરખમ ભાવવધારાની સરખામણીએ પોલીસનો પગાર ૧૯૯૫૦ રૂપિયા જ રહ્યો છે. આ વિગતો સાથે સરકારને સવાલ કરાયો છે કે- બોલો સરકાર બાંહેધરીપત્રક માંગ છે, મોંઘવારી નિયંત્રણનો સરકાર આપશે બાંહેધરીપત્રક? માસૂમ બાળકના ફોટોગ્રાફ સાથેની આ પોસ્ટ પોલીસના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે.
ભથ્થાને બદલે ગ્રેડ-પેની માગણી ફરી વખત વહેતી મુકવા સાથે મોંઘવારીના મુદ્દાને સાંકળી લઈને અમુક પોલીસ કર્મચારીઓએ સરકાર ઉપર સોશિયલ મીડિયા વોર શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, ભથ્થાં આપીને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી તો આપી છે તેવી સરકારની દલીલને માનનારો વર્ગ પણ પોલીસ તંત્રમાં છે.
ભથ્થાં થકી પગાર વધારો આનંદ આપનારો છે પરંતુ બાંહેધરીપત્રક સહિ કરી આપવાનો મુદ્દો પોલીસમાં કચવાટનું કારણ બની રહ્યો છે.
કાંડા કાપવાની નીતિ સામે પોલીસને વાંધો : ફિક્સ રકમ ઉપર અન્ય કોઈ પ્રકારના ભથ્થા મળશે નહીં
એફિડેવિટ એટલે કે બાંહેધરીપત્રકમાં કાંડા કાપવાની નીતિ સામે પોલીસ કર્મચારીઓને વાંધો છે. એવો ગણગણાટ છે કે, અગાઉના સાઈકલ એલાઉન્સ અને અન્ય ખાસ વળતર ભથ્થાના ઠરાવ રદ કરીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન (પબ્લિક સિક્યુરિટી ઈન્ટેન્સિવ) અપાશે તે પોલીસ કર્મચારી રાજીખુશીથી સ્વિકારે છે. તા. ૨૯-૯-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ પ્રવર્તે છે.
પગાર ચૂકવણા વખતે દબાણ કરાશે, મોટાભાગના પોલીસ કર્મચારી એફિડેવિટમાં સહી કરી આપશે
પોલીસ તંત્ર શિસ્તબધ્ધ સરકારી સંગઠનમાં ગણાય છે અને આંદોલનાત્મક કાર્યક્રમો કરી શકતાં નથી. આથી, પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા થકી વાંધો-વિરોધ વ્યક્ત કરી સરકાર પર દબાણ ઉભું કરી રહ્યાં છે તેવી વાત ઉચ્ચ અધિકારી સૂત્રો કહે છે. બીજી તરફ, અમુક પોલીસ કર્મચારી અંદરખાને એ વાતનો સ્વિકાર કરે છે કે, પોલીસનો પગાર ઓનલાઈન ચૂકવાય છે. પરંતુ, પોલીસ સ્ટેશનના રાઈટર હેડ એકાઉન્ટને બાંહેધરીપત્રકો મોકલી દરેક કર્મચારીને પોલીસ ઈન્સ્પેક્ટર કે ઉપરી થકી સહિ કરી આપવા દબાણ કરવામાં આવશે. સરકારે આપ્યું છે, નહીં લો તો તમારૂં અંગત નુકસાન છે તેવી સમજાવટ કરવામાં આવશે. કયા પોલીસ કર્મચારીની એફિડેવિટ બાકી છે તેની વિગતો પોલીસ કમિશનર કચેરીની સીટ (નોકરીપત્રક) બ્રાંચ જુદી કાઢશે. આખરે, પોલીસ કર્મચારીઓ ન મામા કરતાં... કહેવત મુજબ મળી તે રકમ વધાવી લેશે તેમ મનાય છે.