પોલીસ ભરતી અંગે મહત્ત્વની અપડેટ: પહેલા ફેઝનું પરિણામ જુલાઈમાં, છ-સાત મહિનામાં બીજી મોટી જાહેરાત
High Court On Gujarat Police Bharti : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હાઇકોર્ટે આજે 14 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ. સરકારી વકીલે કહ્યું કે, 'પોલીસ ભરતીમાં બાકી રહેલી 14283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાની ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે તેવું જણાવ્યું. જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે યોજાશે, જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરાશે.'
7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ
ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચે પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન મામલે આજે 14 શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ. સરકારી વકીલે જણાવ્યું હતું કે, 'રાજ્યમાં 25660 જેટલી જગ્યા પર સીધી ભરતી કરાશે. જેમાંથી પ્રથમ ફેઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11000થી વધુ જગ્યા પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે. જેમની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે. જ્યારે માર્ચ મહિના સુધીમાં બાકીના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી કરવાની તૈયારી છે. ત્યારબાદ આગામી મે, 2025માં તેની લેખિત પરીક્ષા પૂર્ણ થશે. જેના જુલાઈ મહિનામાં પરિણામ જાહેર કરાશે.'
સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, 'પ્રથમ ફેઝને બાદ કરીને અન્ય બાકી રહેતી 14283 જગ્યાઓ પર બીજા ફેઝમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાહેરાત આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે, જ્યારે સપ્ટેમ્બર, 2026માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. પોલીસ ભરતીને કેલેન્ડરની ટાઇમલાઇન પ્રમાણે કરવા માટે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું અને વધુ સુનાવણી આગામી 11 એપ્રિલના રોજ કરાશે.'
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ કરાઈ
રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટ દાખલ કરાયેલી સુઓમોટો પિટિશનમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવી, વસતી પ્રમાણે પોલીસની ભરતી કરવી, ટ્રેનિંગ આપવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો કે કોઈ આપત્તિજનક સ્થિતિમાં જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું વગેરે બાબતે જણાવાયું હતું. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો આધીન કરવામાં આવી હતી.