Get The App

ખાખીને દાગ: ગુજરાતના પોલીસકર્મીઓએ 37 લાખની 'કટકી' લીધી, ગૃહ મંત્રાલયની કબૂલાત

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
gujarat police


Bribe by Gujarat Police: એક બાજુ, ગુજરાત સરકાર 'ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત'નો અહેસાસ કરાવવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ, ખાખી વર્દી જ ભ્રષ્ટાચારના રંગે રંગાયેલી છે. લાંચિયા પોલીસ અધિકારી-કર્મચારીઓએ ખાખી વર્દીને કલંક લગાવ્યું છે. ખુદ ગૃહવિભાગે જ સ્વીકાર્યુ છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં પોલીસ કર્મચારીઓએ રૂા.36.56 લાખની કટકી લીધી છે. ટૂંકમાં, ગુનો આચર્યો હોય, છટકબારી શોધવી હોય તો, પૈસા ફેંકો-તમાશા દેખો. બધુ સમુસુતરુ પાર ઉતરી જાય છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો હવાહવાઈ

ગુજરાતમાં ખાખી વર્દીની છાપ ખરડાતી જાય છે કેમકે, લાંચિયા પોલીસ અધિકારી- કર્મચારીઓ માટે નાણાની કમાણીએ જ માત્ર ધ્યેય હોય છે. હપ્તા ખાઈને ગુનેગારોને મોકળુ મેદાન આપી દેવાય છે. ગુનેગારો છટકબારી શોધવા માટે કટકીબાજ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સહારો લે છે.

ગૃહવિભાગના મતે, છેલ્લાં ત્રણ વર્ષમાં 8 પોલીસ અધિકારી અને 47 પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયાં છે. આ બધાય પોલીસ અધિકારી-કર્મચારીઓ કુલ મળીને રૂા.36.56 લાખની કટકી લેતા ઝડપાઈ ગયા હતા. 

ખાખી વર્દીને પૈસા આપો તો કામ થઈ જાય છે

મહત્વની વાત એ છે કે, ઢોર માર ન મારવા, કેસમાં નામ કમી કરવા માટે, દારુ-જુગાર, ક્રિકેટનો સટ્ટાનો ધંધો ચાલુ રાખવા, દારુનો કેસ ન કરવા, પશુ ભરેલુ વાહન કતલખાને જવા દેવા માટે, લાકડા અને પથ્થરની હેરાફેરી કરતાં વાહને જવા દેવા માટે પોલીસ અધિકારી-કર્મચારી લાંચ લે છે. પોલીસના કબજામાંથી કાર કે ટ્રક છોડાવવા માટે ખાખી વર્દીને પૈસા આપો તો કામ થઈ જાય છે.

આ પણ વાંચો: ગુજરાત ટુરિઝમના આંકડામાં પોલમપોલ, 100 માંથી 94 પ્રવાસી તો સ્થાનિક, સુવિધાઓનો અભાવ

મદદરુપ થવાને બદલે પોલીસ ખુદ લાંચ લેવામાં મસ્ત

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા કરવામાં આવી રહ્યા છે અને કોઇપણ સરકારી વિભાગમાં પૈસા માંગે, એન્ટી કરપ્શનને જાણ કરો તેવી મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવી રહી છે તેમ છતાંય લાંચ લેવામાં પોલીસ અધિકારી-કર્મચારી ખચકાટ અનુભવતા નથી. પોલીસ સ્ટેશનમાંય 'મે આઈ હેલ્પ યુ'ના પાટિયા લાગ્યાં છે પણ મદદરુપ થવાને બદલે ખાખી વર્દી ખુદ લાંચ લેવામાં મસ્ત બની છે.

કેવા કેવા કારણોસર પોલીસ અધિકારી- કર્મચારી લાંચ લેતા પકડાયા

- ઢોર માર મારવાનો નહી

- અરજી દફતરે કરવા માટે

- બાયોડિઝલનો ધંધો કરવા માટે

- દારૂનો ધંધો કરવા માટે

- ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે

- દારૂનો કેસ ન કરવા માટે

- પથ્થર-લાકડાની હેરાફેરી કરવા માટે

- પશુ ભરેલુ વાહન છોડાવવા માટે

- પોલીસ સ્ટેશનમાંથી કાર-ટ્રક છોડાવવા માટે 

- કેસમાંથી પત્નિનું નામ કમી કરાવવા માટે

- જામીન પર મુક્ત કરવા માટે.

ખાખીને દાગ: ગુજરાતના પોલીસકર્મીઓએ 37 લાખની 'કટકી' લીધી, ગૃહ મંત્રાલયની કબૂલાત 2 - image


Google NewsGoogle News