બે હજાર જેટલી સોસાયટીઓની કરોડોની ગ્રાંટ છ મહિનાથી ચુકવાઇ નથી
સીસીટીવી નેટવર્કને મજબુત કરવાના પોલીસના દાવા વચ્ચે ગ્રાંટના ધાંધિયા
સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના કુલ ખર્ચ પેટેની ૫૦ ટકા રકમ પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીમાંથી ચુકવવામાં આવે છે
અમદાવાદ,સોમવાર
પોલીસ માટે કોઇ પણ ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફુટેજ સૌથી મહત્વના સાબિત થાય છે. આ માટે રાજ્યના શહેરોની સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ કુલ ખર્ચની ૫૦ ટકા રકમ ગુજરાત પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની દ્વારા ચુકવવામાં આવે છે. પરંતુ, છેલ્લાં છ મહિનાથી રાજ્યના વિવિધ શહેરોની બે હજાર જેટલી સોસાયટીની કરોડો રૂપિયાની ગ્રાંટ અટકી હોવાનું સામે આવ્યું છે. જે અંગે અનેકવાર ડીજીપી ઓફિસમાં લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી પોલીસ માટે સૌથી મહત્વના પુરાવા છે. જેથી અમદાવાદ સહિત રાજ્યના સુરત, રાજકોટ, અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી સોસાયટી, એપાર્ટમેન્ટસમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક સૌથી વધુ મજબુત બને તે માટે ત્રિનેત્ર સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ કામગીરી કરવામાં આવે છે. ગૃહવિભાગે પોલીસને આ પ્રોજેક્ટનો અમલ વધુને વધુ થાય તે માટે ખાસ કામગીરી સોંપી છે. આ પ્રોજેક્ટમાં સીસીટીવીના કુલ ખર્ચના ૫૦ ટકા ખર્ચ સુરક્ષા સેતુ સોસાયટીને ચુકવવામાં આવે છે. પરંતુ, છેલ્લાં છ મહિનાથી રાજ્યની બે હજાર જેટલી સોસાયટીઓમાં પૂર્ણ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની કરોડો રૂપિયાની રકમ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ચુકવવામાં આવી નથી.
જે રકમનો આંક કરોડો રૂપિયા જેટલો છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી તેમજ અન્ય શહેરોના પોલીસ વિભાગ દ્વારા સોસાયટીની સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની ફાઇલને ક્લીયર કરીને ગાંધીનગરથી ગ્રાંટ મંગાાવવા માટે અનેકવાર સત્તાવાર રીતે પત્રો લખવામાં આવ્યા છે. જો કે કોઇ કારણસર ગાંધીનગરથી ગ્રાંટ રિલીઝ ન થતા બે હજાર જેટલી સોસાયટીઓનું કરોડો રૂપિયાનું પેમેન્ટ અટકી પડયું છે. જે અંગે ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆત બાદ પણ કોઇ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને અનેક પોલીસ અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.