Get The App

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરો છે સલામત, તમામને પરત લાવવાની કરાશે વ્યવસ્થા

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરો છે સલામત, તમામને પરત લાવવાની કરાશે વ્યવસ્થા 1 - image


Jammu-Srinagar landslide: જમ્મુ અને કાશ્મીરના રામબનમાં રવિવારે (20મી એપ્રિલ, 2025) વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર 14 પર ગુજરાત સહિત અનેક રાજ્યના મુસાફરો ભૂસ્ખલનને કારણે ફસાયા હોવાના અહેવાલ છે. ત્યારે રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, 'ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા ગુજરાત સહિતના રાજ્યોના મુસાફરો સુરક્ષિત અને સલામત છે.' રાહત કમિશ્નર અને ગુજરાત સરકારનો દાવો છે કે કાશ્મીરમાં 50 ગુજરાતીઓ ફસાયા છે. પરંતુ સૂત્રોની માહિતી પ્રમાણે રાજ્યના અરવલ્લી જિલ્લાના 40, ગાંધીનગરના 30 અને પાલનપુર 20 સહિત 1000થી વધુ મુસાફરો ફસાયા છે.     

ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઇડીંગથી દૂર સેઇફ ઝોનમાં

મુખ્યમંત્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, 'ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઇડીંગથી દૂર સુરક્ષિત ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે. આર્મીના જવાનોએ ગુજરાતના મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રિકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.'

બીજી તરફ ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'રાજ્ય સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર સરકાર પાસે માહિતી લેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જમ્મુ-કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે સ્થળના એસપી અને કલેક્ટર સાથે વાત કરી લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીરની સરકાર સાથે વાતચીત કરી રહી છે.

ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો 

રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રક ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત થયા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઇવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રક ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સૂચના આપી હતી, તો શ્રીનગરથી આવતાં વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહેવાની સૂચના અપાતાં એક હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરો છે સલામત, તમામને પરત લાવવાની કરાશે વ્યવસ્થા 2 - image

Tags :