Get The App

ગુજરાતમાં લાંચીયા અધિકારીઓ પર સકંજો, ACBએ ત્રણ સ્થળે ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા

Updated: Feb 25th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં લાંચીયા અધિકારીઓ પર સકંજો, ACBએ ત્રણ સ્થળે ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા 1 - image


Gujarat Corruption : ગુજરાત ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે અખાડો બની ગયું હોય તેવી ત્રણ ઘટના સામે આવી છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં નાયબ કલેક્ટરને, જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેરને જ્યારે ખેરાલુમાં નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી લીધા છે. એસીબીએ ત્રણેય લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ લેતા ઝડપાયા

પાલનપુરમાં નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી અંકિતા ઓઝાને ACBએ રંગે હાથે લાંચ લેતા પકડ્યા છે. ક્લાસ વન ઓફિસર સામે ટ્રેપ કરવા ગાંધીનગરથી ACBની ટીમ પાલનપુર પહોંચી હતી. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે. બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા. ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ. 1,50,000/- લેખે બે મકાનના રૂ. 3,00,000/- લાંચની માંગણી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના કહેવાથી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) નાઓએ કરી હતી. લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં આજે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. હાલ તો એસીબી દ્વારા બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર રૂ.18000 લેતા ઝડપાયા

જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)માં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડાએ ફરીયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહીતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.20,000/-ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે બે હજાર ઓછા આપવાનું કહીને રૂ. 18,000/- ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ જુનાગઢ એ.સી.બી.ને ફરીયાદ કરતા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચિયો અધિકારી અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડા લાંચના નાણાં રૂ.18,000/- સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.

અમરેલી લેટરકાંડ: DGP વિકાસ સહાય એક્શન મોડમાં, ત્રણ PI-PSIની તાત્કાલિક બદલી 

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

મહેસાણા જિલ્લાના મામલતદાર કચેરી, તા.ખેરાલુ ખાતે પુરવઠા શાખામાં નાયબ મામલતદાર (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડિકોય છટકા દરમિયાન રૂ. 10,000/-ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા દ્વારા ખેરાલુ મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને હેરાન કરી માસીક રૂ.1000/- થી રૂ.5000/- ની રકમ વેપારીઓ પાસેથી હપ્તા પેટે લાંચ લેવામાં આવતી હોવાની બાતમી એ.સી.બી.ને મળી હતી. ફરિયાદીને હેરાન ના કરવા બાબતે નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતાએ લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક લેટરકાંડ: ભાવનગરમાં 40 કરોડના ભ્રષ્ટાચારના આરોપ સાથેનો પત્ર વાઈરલ


Google NewsGoogle News