Get The App

ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ 1 - image


HMPV in Ahmedabad : અમદાવાદમાં ચીનના HMPV વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતાં અહેવાલો મુજબ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખી બેદરકારી દાખવી છે.

વાઇરસ ડિટેક્ટ થયો છતાં હૉસ્પિટલને તંત્રને જાણ ન કરી

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે. હૉસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને વાઇરસ ડિટેક્ટ થયો હોવા છતાં હૉસ્પિટલે AMCને જાણ કરી ન હતી. જેથી AMC હેલ્થ વિભાગને હૉસ્પિટલ પર કાર્યવાહી કેમ ન કરવી અને માહિતી છુપાવવા બદલ નોટિસ આપી જવાબ માંગ્યો છે. 

ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ 2 - image

રાજસ્થાનથી આવ્યો હતો બીમાર બાળકનો પરિવાર

વાસ્તવમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી આવેલા જૈન પરિવારે 24 ડિસેમ્બરના રોજ બાળકને સારવાર માટે ઓરેન્જ હૉસ્પિટલમાં લાવ્યા હતા. ડૉક્ટરો દ્વારા તપાસ બાદ રિપોર્ટ કરાયા હતા અને 26 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હૉસ્પિટલ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સરકારને કોઈ માહિતી આપવામાં આવી ન હતી, જેથી મહાનગર પાલિકા દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે.હાલ બાળકની સ્થિતિ સારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હૉસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હૉસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે.

કેન્દ્રની ગાઇડલાઇનને ગુજરાત અનુસરશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે.  ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ‘હજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણે તકેદારીના ભાગરૂપે રાજ્યની હૉસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે.’ 

ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ 3 - image

આ વાઇરસના લક્ષણો શું છે?

આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.


Google NewsGoogle News