'ગુનેગારોને પોલીસ 24 કલાક રક્ષણ આપે છે', ભાજપના દિગ્ગજ નેતાની પોસ્ટે જગાવી ભારે ચર્ચા
Gujarat News : ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીના એક ટ્વીટે બારે ચર્ચા જગાવી છે. હાલ સલમાન ખાનના કાળિયારના કથિત શિકારનો મુદ્દો ભારે ચર્ચામાં છે. ત્યારે કાળી ચૌદશના દિવસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાળિયારનો ઉલ્લેખ કર્તું એક ટ્વિટ સોશિયલ મીડિયા X પર શેર કર્યું છે, જે ઘણું સૂચક મનાય છે.
તેમણે લખ્યું છે કે, 'સમય જ બળવાન છે. કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે, આનું નામ જ સમય'!
આ ટ્વિટ વાંચીને લોકોને અનેક સવાલ થઈ રહ્યા છે. પહેલા તેમણે સમય જ બળવાન છે તેવી વાત કરી છે. તે કયા પરિપેક્ષમાં હોઈ શકે? એક સમય હતો જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણમંત્રી હતા ત્યારે તેમની ચોમેર ચર્ચા હતી, સરકારમાં તેમનું સ્થાન ઘણું મોટું હતું, પરંતુ છેલ્લી ચૂંટણીમાં ભાજપે અનેક મોટા માથાના પત્તા કપાયા, જેમાં તેઓ પણ એક હતા. અત્યારે તેઓ ફક્ત સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તો શું સમય બળવાન હોવાની વાત તેમણે ઉદાહરણ આપીને આ પરિપ્રેક્ષ્યમાં કરી હશે?, એવો સવાલ પણ રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહ્યો છે.
તેમનું આ વાક્ય પણ ઘણું વેધક લાગે છે કે, જે 'અપરાધી છે એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે'. આ વાક્ય દ્વારા તે શું કોઈના તરફ ઈશારો કરી રહ્યા છે કે ખરેખર સલમાન ખાનની જ વાત કરી રહ્યા છે? કેમ કે કેન્દ્રની ભાજપ સરકારમાં અનેક નેતાઓ ગુનાખોરીની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના આરોપ તો વિપક્ષ પણ સતત કરી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રની ચૂંટણી, શિવસેનાના નેતાઓ, NCPમાંથી આવેલા નેતાઓને સાંકળીને ભૂપેન્દ્રસિંહે આ ટ્વિટ નથી કર્યા ને?
ભૂપેન્દ્રસિંહે કરેલા ટ્વિટની સિકવન્સ પણ અજીબોગરીબ છે. રસપ્રદ વાત છે કે, તેમની આ પોસ્ટ પહેલાની અને પછીની મોટા ભાગની પોસ્ટ રાજકીય છે, પરંતુ એ બધામાં આ પોસ્ટ સૌથી અલગ છે. તેઓ ખાસ કરીને વડાપ્રધાનની પોસ્ટને જ રિ-શેર કરે છે. આ બધા વચ્ચે આ સમય બળવાન વાળું ટ્વિટ અલગ તરી આવે છે. હોઈ શકે કે, ખરેખર તેમણે કાળિયારના શિકારના આરોપી સલમાન ખાન વિશે જ વાત કરી હોય, પરંતુ જે રીતે શબ્દ પ્રયોગ કરાયો છે તેને જોતા ક્યાંકને ક્યાંક હૈયાવરાળ બહાર આવતી હોય તેવું પણ લાગે છે.