13 વર્ષથી જમીન લઈને બેઠેલી ગુજરાત સરકારને હાઈકોર્ટનું ફરમાન, ખેડૂતોને 6 મહિનામાં વળતર ચૂકવો

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
13 વર્ષથી જમીન લઈને બેઠેલી ગુજરાત સરકારને હાઈકોર્ટનું ફરમાન, ખેડૂતોને 6 મહિનામાં વળતર ચૂકવો 1 - image


Gujarat High Court News | ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતાં આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન સને 2011માં સંપાદન કરવા કબ્જો લઈ લીધાના 13-13 વર્ષના વ્હાણાં વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજદિન સુધી અંતિમ એવોર્ડ(વળતર) ચૂકવાયું નથી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો.

હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં એવોર્ડ(વળતર)ની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજય સરકારને ફરમાન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો છે. 

હાઈકોર્ટે સરકારની ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમીટીને દરેક ખેડૂતોના કેસને વ્યકિગત ધોરણે ચકાસવા અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો એવોર્ડ(વળતર)ની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમીટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની રહેશે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, ખેડૂતોના વળતર અંગેના દાવા મળેથી કમટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શકય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં વળતર ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો કમિટી કોઈપણ કારણસર વિલંબ દાખવશે અથવા પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો અરજદાર ખેડૂતો ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરી શકશે.

રાજકોટ અગ્નિકાંડ : TRP ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધાની મનસુખ સાગઠીયાની કબૂલાત

રાજયના કચ્છ, બનાસકાંઠા અને જિલ્લાના સંખ્યાબંધ ગામોના સેકંડો ખેડૂતો તરફથી હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જુદી જુદી ઢગલાબંધ રિટ અરજીઓમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, નર્મદા કેનાલ બનાવવાના ભાગરૂપે સરકારના સત્તાવાળાઓ દ્વારા અરજદાર ગ્રામજનોની જમીન સને 2010-11માં લઈ લીધી હતી. સત્તાવાળાઓ દ્વારા એ વખતે ગ્રામજનોને એડવાન્સ વળતર ઉચ્ચક ધોરણે ચૂકવી અપાયું હતું અને ફાઈનલ એવોર્ડ(અંતિમ વળતર) બાદમાં આપવાની ખાતરી આપી હતી. 

જો કે, સત્તાવાળાઓએ લેન્ડ એકવીઝીશન એક-1894ની સંબંધિત જોગવાઈઓનું અનુસરણ કર્યા વિના જ જમીનનો કબ્જો લઈ લીધો હતો અને આટલા વર્ષો સુધી અરજદારને તેમની ખેતીની જમીનના હક્ક- અધિકારથી અને યોગ્ય તેમ જ પૂરતા વળતરથી વંચિત રાખ્યા હતા. અરજદાર ગ્રામજનો તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા સ્થાનિક ગ્રામજનોને આખરી વળતર નહીં ચૂકવાતાં અગાઉ થયેલી રિટ અરજીમાં છ મહિનામાં અસરગ્રસ્ત ગ્રામજનોને અંતિમ વળતર ચૂકવી આપવા રાજય સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. 

કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ખેડૂતોને બહુ મોટા વળતરની શક્યતા

અરજદાર ખેડૂતોની જમીનનો કબ્જો સરકારના સત્તાવાળાઓ 2011થી લઈને બેઠા અને 13-13 વર્ષોના વ્હાણાં વીતી જવા છતાં હજુ સુધી તેઓને ફાઇનલ એવોર્ડ(અતિંમ વળતર) ચૂકવાયું નથી, જેને લઇ અરજદારોને ભરપાઈ ના થઈ શકે તેવું પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે, હવે સરકારને સેંકડો ખેડૂતોને તેમની લીધેલી જમીન પેટે યોગ્ય એવોર્ડ(વળતર) ચૂકવવો પડશે, જે બહુ મોટા એવોર્ડ હશે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે વર્ષોથી પોતાની જમીનના વળતરની રાહ જોતાં ત્રણેય જિલ્લાના સેંકડો ખેડૂતોને બહુ મોટી રાહત અને લાભ થયો છે.

13 વર્ષથી જમીન લઈને બેઠેલી ગુજરાત સરકારને હાઈકોર્ટનું ફરમાન, ખેડૂતોને 6 મહિનામાં વળતર ચૂકવો 2 - image



Google NewsGoogle News