VIDEO | ગીર સોમનાથમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા જમજીર ધોધનો એરિયલ વ્યૂ કેમેરામાં કેદ
Gir Somnath Jamjira Falls : ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વર જેવા જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રમાં પણ આ વખતે ભારે મેઘમહેર જોવા મળી રહી છે. આ દરમિયાન એવા અનેક સ્થળો છે જેના નજારા માટે લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે. એવું જ એક સ્થળ છે ગીર સોમનાથમાં આવેલું જમજીર ધોધ.
મનમોહક દૃશ્ય કેમેરામાં કેદ
ગીર સોમનાથના જામવાળા ગામમાં આવેલું જમજીર ધોધનો એક ડ્રોન વડે વીડિયો બનાવાયો હતો. જેના મનમોહક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. સોળે કળાએ આ ધોધ ખીલી ઊઠ્યો હતો. આ ગુજરાતનો પ્રખ્યાત ધોધ છે. તેની નજીક જવામાં ભારે જોખમી સાબિત થાય છે. આ વખતે ધોધમાર વરસાદને પગલે આ ધોધમાં પણ પાણીની સારી એવી આવક થતાં તેની સૌંદર્યતા વધી ગઈ છે.
જમજીર ધોધ વિશે આ વાત જાણવા જેવી
જમજીર ધોધની વાત કરીએ તો તેનું કનેક્શન સીધી રીતે પુરુષ નામધારી શીંગવડો નદીના પાણી સાથે છે. આમ તો આ નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદભવીને 80 કિ.મી. જેટલું અંતર કાપી કોડીનારનાં મૂળ દ્વારકા બંદરે જઈને સમુદ્રમાં ભળી જાય છે. પરંતુ એના પહેલા આ જ નદી ગીરના જંગલોમાંથી થઈને જામવાળા ખાતે બનેલા ડેમ શિંગોડમાં પહોંચે છે. અહીંથી આગળ જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક તે જમજીરનાં ધોધ રૂપે વહેતી જોવા મળે છે.
મોતનો ધોધ પણ કહેવાય છે...
ખાસ વાત તો એ છે કે જમજીરના ધોધને મોતનો ધોધ પણ કહેવાય છે. કેમ કે અહીં સેલ્ફી કે ફોટા પડાવવાની લ્હાયમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એના કારણે જ તમને અહીં પહોંચતા એક નોટિસ બોર્ડ દેખાઈ આવશે જેના પર સ્પષ્ટ રીતે પ્રતિબંધ મૂકાયેલી વિગતોની જાણકારી શેર કરી દેવામાં આવી છે. અહીં ધોધ નજીક પાણીની ઊંડાઈ 100 ફૂટ હોવાનું કહેવાય છે.