અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ભરૂચમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણનાં મોત

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ભરૂચમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણનાં મોત 1 - image


Weather In Gujarat: ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે આજે (નવમી જૂન) રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. 

ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા,જ્યારે 4થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ભરૂચમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણનાં મોત 2 - image

વડોદરામાં વીજળી પડવાથી એકનું  મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. જેના કારણે અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં સાંજના સમયે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ભારે પવન વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વડોદરાના કોટા ગામમાં  વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે.

ગીર સોમનાથના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકાના આસપાસના ગામોમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. 

બોટાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ભારે પવન નીકળ્યો હતો. ત્યાર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બોટાદનાં હવેલીચોક, પાળીયાદ રોડ, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આજે ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકાના પિનપુર, ચોખવાડા, કેવડી, ચવડા, જૂના ઉમરપાડા સહિતના ગામડાઓમાં વરસેલા વરસાદને લઈને આકાશી ખેતી કરતા ખેડૂતો સહિત સૌ કોઈમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર, નવમી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.



Google NewsGoogle News