ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, વાવણી માટે ધીરજ રાખવી પડશે

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, વાવણી માટે ધીરજ રાખવી પડશે 1 - image


Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ, નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે, પરંતુ આ વખતે ચોમાસું વર્ષ 2023 કરતા 14 દિવસ વહેલુ બેસવાની સાથે ધમાકેદાર એન્ટ્રીને બદલે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

ભારે પવન ફૂંકાતા વાદળો બંધાતા નથી

18મી જૂનના રોજ ભીમ અગિયારસ છે, પાંચ દિવસમાં ધોધમાર વરસાદ થઈ જાય તો આ દિવસે ખેડૂતો વાવણી કરતા હોય છે. પરંતુ આજની આગાહી મૂજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહીવત્ છે. પાંચ દિવસ સુધી ગીર સોમનાથ, અમરેલીના કાંઠાળ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજ્યમાં 10થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા વાદળો બંધાતા નથી.

વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.

અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના નહિવત્

અમદાવાદમાં બુધવારે (12મી જૂન) 10.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર, અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના 15 ટકાથી પણ ઓછી છે. 24મી જૂન બાદ જ અમદાવાદમાં ચોમાસું જામશે. દરમિયાન હવામાન વિભાગના અનુસાર, આગામી 18મી જૂન સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે.



Google NewsGoogle News