ગુજરાતમાં ચાર દિવસ વહેલા ચોમાસાનું આગમન, જાણો કયા જિલ્લામાં વરસાદની છે આગાહી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ચાર દિવસ વહેલા ચોમાસાનું આગમન, જાણો કયા જિલ્લામાં વરસાદની છે આગાહી 1 - image


Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આ વખતે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન ચાર દિવસ વહેલા થયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (11મી જૂન) ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સંતરામપુરમાં 40 મી.મી, મોરવા હડફ 27, કલોલ 22, સંજેલી 15, કડી 12, ગાંધીનગર 11 અને કપરાડામાં 10 મી.મી. વરસાદ વરસ્યો છે. બીજી તરફત અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. 

સોમવારે (10મી જૂન) સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેતપુર સહિત જામકંડોરણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 11મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. 12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.


Google NewsGoogle News