ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Sardar Sarovar Dam


Gujarat Monsoon: ગુજરાતના વિવિધ જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે 48 જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે 9 જળાશયો 90થી 100 ટકા ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 31 ડેમ 70થી 100 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. બીજી તરફ સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. 

સરદાર સરોવર ડેમમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 55.28 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આજે (ત્રીજી ઑગસ્ટ) ભારે વરસાદને લઈને સૌથી વધુ ઉકાઈમાં 79,274 ક્યુસેક, સરદાર સરોવરમાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક થઈ છે.

આ પણ વાંચો: VIDEO: વલસાડ જિલ્લાને મેઘરાજાએ ફરી ધમરોળ્યું, વાપીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર 

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.01 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આજે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (ત્રીજી ઑગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આવતીકાલ માટે  (ચોથી ઑગસ્ટ) હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોથી ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટની આગાહી 

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ 2 - image


Google NewsGoogle News