દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Monsoon Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે (9 જુલાઇ)એ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યેલો એલર્ટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ વરસ્યો
આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ (બુધવાર) કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 11 જુલાઇ (ગુરૂવાર) એ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની ચેતવણી : હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં સમગ્ર દેશમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સોમવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય હતુ અને ટ્રફ લાઇન જેસલમેર, ચિત્તોડગઢ (રાજસ્થાન), રાયસેન, મંડલા (મ.પ્ર.), રાયપુર (છત્તીસગઢ) અને કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધી ચાલી છે. કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો વર્તારો છે. મંગળવાર અને બુધવારે કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાત અને ઉત્તરી કેરળમાં ચાલતી એક ટ્રફ રેખામાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કિનારે ચોમાસાને સક્રિય રાખ્યું છે.
આ રાજ્યમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે
વીકેન્ડ દરમિયાન મુંબઈ અને તેના પરાવિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. તેના લીધે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સોમવારે શહેરમાં 270 એમએમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું છે કે દક્ષિણ ભારત, કર્ણાટક કાંઠો અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે. આંધ્રપ્રદેશના કાંઠાવિસ્તાર, રાયલસીમા, યાનમ (પુડ્ડુચેરી) અને તેલંગણામાં પણ ભારે વરસાદ થશે. આસામને વરસાદથી કોઈ રાહત મળી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ભારે વરસાદના લીધે 50ના મોત થયા છે.