ગુજરાત સરકારના મંત્રીનો બફાટ, બ્રેઈન સ્ટ્રોક આવતાં દવા નહીં પણ ભુવાની વિધિ કામ લાગી...
Gujarat Minister Bhikhu sinh Parmar News | એક બાજુ, વિધાનસભામાં રાજ્ય સરકારે કાળા જાદુ- અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો ઘડ્યો છે ત્યારે બીજી બાજુ, ખુદ ભાજપ સરકાર ના મંત્રી જ ભુવાને સમર્થન આપતા બયાનબાજી કરી રહ્યાં છે. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એવો બફાટ કર્યો છેકે, મને બ્રેઈન સ્ટ્રોક આવ્યો ત્યારે દવાથી નહિ, બલ્કે ભુવાની વિધિથી ઝડપી સાજો થયો. એટલુ નહી, વિધિને લીધે જ હોસ્પિટલમાંથી જલ્દી રજા મળી. આમ, દવા કરતાં દુઆ વધારે કામ આવી તેમ કહી મંત્રી ભીખુસિંહ પરમારે વિવાદ છેડયો છે.
વિધાનસભા સત્રમાં જ કાળા જાદુ, અંધશ્રદ્ધા દૂર કરવાને લઈ વિધેયક પસાર કરવામાં આવ્યુ છે. સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી છે કે, અંધશ્રધ્ધા-કાલાજાદુ જેવી વિધિને પ્રોત્સાહન આપશે તેની સામે પગલાં લેવાશે ત્યારે ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ભુવાઓની પ્રશંશા કરી વિવાદ છેડયો છે.
તલોદમાં એક કાર્યક્રમમાં અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ભુવા વિધિને પ્રોત્સાહન આપતો કિસ્સો રજૂ કર્યો હતો કે, જયારે બ્રેનસ્ટોક આવ્યો ત્યારે દવા સારવાર કરતા ભૂવાની વિધિથી ઝડપી સાજા થયો. મારા એક મિત્રએ ભુવા પાસે વિધિ કરાવી હતી. આ વિધીને કારણે જ મને હોસ્પિટલમાં થી જલ્દી રજા મળી હતી. ટૂંકમાં, દવા કરતા દુવા કામ કરી ગઈ હતી. એટલુ જ નહીં, ભીખુસિંહે બ્રેઈન સ્ટ્રોકના દર્દીને આટલી ઝડપી રિકવરી આવી હોય, હોસ્પિટલમાંથી આઠ જ દિવસમાં રજા મળી હોય તેવો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો.
એક રાજ્યકક્ષાના મંત્રી જો ભુવાજીની પ્રશંસા કરે, સારવાર નહી બલ્કે ભુવાની વિધીથી સાજો થયો એવુ જાહેરમાં કહે તે કેટલાં અંશે યોગ્ય કહેવાય? ભીખુસિંહનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. સવાલ છેકે, ખુદ સરકારના મંત્રી જ અંધશ્રધ્ધા અને કાળુજાદુને ખુલ્લેઆમ સમર્થન આપતાં હોય તો પછી બીજાની વાત ક્યાં કરવી?
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલાં રાજ્યકક્ષાના પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે બ્રેઈનસ્ટ્રોક આવતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.