આવતા મહિનાથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે, હવે માવઠાની શક્યતા નહીવત
આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના
weather forecast : રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જોકે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે.
આવતા મહિનાથી ઠંડીમાં થશે વધારો
રાજ્યના હવામાન ખાતા મુજબ ગુજરાત પરથી વરસાદી સિસ્ટમના વાદળ હતી ગયા છે. ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. સાથે જ હવામાન વિભાગે આજથી ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. ડિસેમ્બરના પ્રારંભથી થિજાવતી ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. કચ્છનું નલિયા ગઇકાલે સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા
હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી માવઠાની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે.