મહેસાણા નસબંધીકાંડમાં હેલ્થ વર્કરને કારણદર્શક નોટિસ ફટકારી સસ્પેન્શન સાથે ખેરાલુ મોકલી દીધો
Mehsana News: મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં જગબત્રીસીએ ચઢેલાં નવી શેઢાવીના કુંવારા યુવાનની જાણ બહાર નસબંધી કરી દેવાની ઘટના બની હતી. જેને લઈને ધનાલી આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કારણ જણાવો નોટિસ ફટકારી સસ્પેન્ડ કરી ખેરાલુ મોકલી દીધો હતો. સી.ડી.એચ.ઓ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) ડૉ. મહેશ કાપડિયા ના જણાવ્યા અનુસાર, જિલ્લાના 28 કેસની ઝીણવટભરી તપાસ કરી તેનો અહેવાલ રજૂ કરવા એ.ડી.એચ.ઓ (આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) અને તમામ ટી.એચ.ઓ (તાલુકા હેલ્થ ઓફિસર) ને કડક સૂચના આપવામાં આવી છે.
શું હતી ઘટના?
નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી યુવક ગોવિંદ દંતાણીને તેની જાણ બહાર નસબંધી કરી દીધી હતી. મજૂરીકામે લઈ જવાનું કહી યુવકને દારૂ પીવડાવી અમદાવાદના અડાલજ દવાખાનામાં નસબંધી ઓપરેશન કરાવી નાંખ્યુ હતું. આ પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીને તમામ પાસાએથી તપાસ કરાવી અને સી.ડી.એચ.ઓ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) ડૉ. મહેશ કાપડિયાએ ભોગગ્રસ્ત લાભાર્થીના ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેનો અહેવાલ ચકાસી જોટાણા તાલુકાના સૂરજ પી.એચ.સી (પ્રાઇમરી હેલ્થ કેર)ના ધનાલી કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કસૂરવાન ઠરાવી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારબાદ તેની ફરજ મોકૂફી સાથે તેને ખેરાલુ આરોગ્ય કેન્દ્ર મોકલી દેવાયો હતો.
આ પણ વાંચોઃ ટાર્ગેટની લ્હાયમાં યુવકને આપી હતી 500 રૂપિયાની લાલચ, પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ
CDHO ડૉ. કાપડિયાએ જણાવી સમગ્ર વિગત
આ અંગે CDHO ડૉ. મહેશ કાપડિયાએ કહ્યું કે, જોટાણા તાલુકાના સૂરજ સીએચસી (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) તાબાના ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીએ ટાર્ગેટ પૂરો કરવા આ કૃત્ય કર્યુ હતું. ટાર્ગેટ પૂરો કરવા માટે નવી શેઢાવી ગામના કુંવારા ગોવિંદ દંતાણીને ટાર્ગેટ બનાવી અમદાવાદના અડાલજ દવાખાને લઈ ગયો હતો. જ્યાં નસબંધી કરાવવાનું ફોર્મ ભરી લાભાર્થી ગોવિંદ દંતાણી પરિણીત છે અને બે બાળકો પણ છે તેવું ફોર્મમાં દર્શાવવામાં આવ્યું હતું. આમ, ધનાલી એમએચડબલ્યુ અજમેરીએ ઘરની ધોરાજી હાંકીને લાભાર્થીના ફોર્મમાં તમામ વિગતો ભરી હતી અને તેના નસબંધીના ઓપરેશનને અંજામ આપી દીધો હતો.
ખોટી રીતે નસબંધી ઓપરેશનનો ભાંડો ફૂટ્યા બાદ શુક્રવારે મહેસાણા ડી.ડી.ઓએ સીડીએચઓને લાભાર્થીના ગામની મુલાકાતે મોકલી અહેવાલ મોકલવા જણાવ્યું હતું. જે મુજબ, સીડીએચઓ ડૉ. કાપડિયાએ લાભાર્થીના ઘરે જઈ તેની મુલાકાત લઈ તેની સંપૂર્ણ માહિતી મેળવી ધનાલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અજમેરીનો અહેવાલ તૈયાર કરી DDO (Drawing and Disbursing Officer)ને આપ્યો હતો. જેના અનુસંધાને DDOએ ધનાલી મેન હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કારણદર્શક નોટિસ આપી સસ્પેન્શન સાથે ખેરાલુ ધકેલી દીધો હોવાનું CDHOએ જણાવ્યું હતું. આટલેથી નહીં અટકી DDOએ શિક્ષાત્મક કાર્યવાહી કરી ફરજમાં બેદરકારી દાખવનાર જોટાણા તાલુકા હેલ્થ ઓફિસર, તેના સુપરવાઈઝર તથા સૂરજ મેડિકલ ઓફિસર, તેના સુપરવાઈઝરને પણ કારણદર્શક નોટિસ ફટકારી હતી.
નસબંધી ઓપરેશનના 28 કેસની તપાસ કરવા આદેશ
CDHO ડૉ. કાપડિયાના જણાવ્યા અનુસાર, મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશનના 28 કેસમાં કોઈપણ નરમાશ નહીં રાખી તેના કેસની તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ડીડીઓએ મહેસાણા ADHO (આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) ડૉ. ગઢવી સહિત તમામ તાલુકા હેલ્થ ઓફિસર્સને સૂચના આપી છે. અન્ય કેસો સાચા છે કે નહીં તેમજ નવી શેઢાવી યુવકની નસબંધી જેવી ઘટના બીજા કેસમાં બની છે કે નહીં તેની તપાસ કરવા તમામ ટીએચઓને તાકીદ કરવામાં આવી છે.
નસબંધી ઓપરેશન ખોલવાની કાર્યવાહી કરાશે
મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કાપડિયાએ કહ્યું કે, લાભાર્થી ગોવિંદના નસબંધીના ઓપરેશનને આરોગ્ય વિભાગના તજજ્ઞો-નિષ્ણાંતોનો અભિપ્રાય લઈને નસબંધી ઓપરેશનને ખોલવાની કાર્યવાહી કાયદાની મર્યાદામાં કરવામાં આવશે. લાભાર્થીની મરજી મુજબ કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસ: ચાર પોલીસ કર્મીઓની જન્મટીપની સજા હાઇકોર્ટે મોકૂફ રાખી
ખોટું બહાર લાવવું જોઈએ
મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલે જણાવ્યું કે, નવી શેઢાવીના કુંવારા યુવકનું તેની જાણ બહાર નસબંધી ઓપરેશન ખોટી રીતે કરવામાં આવ્યું છે. જે ખોટું છે, તેનો રિપોર્ટ કરવા સાચું બહાર લાવવું જોઈએ. તેના જવાબદારો સામે કડક પગલાં ભરવા ડી.ડી.ઓ.ને કહ્યું છે.