ચાઇનીઝ દોરી ગુજરાતમાં વધુ એકને ભરખી ગઈ, મહેસાણામાં 25 વર્ષના યુવાનનું ગળું ચીરાતાં મોત
Mehsana Chinese String Killed One Man: ગુજરાતમાં ફરી એકવાર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. મહેસાણા તાલુકાના બાલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે 25 વર્ષનો યુવક મોતને ભેટ્યો છે. યુવક શુક્રવારે (29 નવેમ્બર) સાંજે પત્ની સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે એકાએક ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈ જતાં યુવક મોતને ભેટ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતના પાલી ગામમાં આઇસક્રીમ ખાધા બાદ તબિયત લથડી, 3 બાળકોના મોત, 1ની હાલત ગંભીર
શું હતી સમગ્ર ઘટના?
મહેસાણાના બલિયાસણનો 25 વર્ષનો યુવક મહેશ ઠાકોર પોતાની પત્ની સાથે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેઓ ભાસરિયા હાઇવેથી આંબલિયાસણ સ્ટેળન તરફ રેલ્વે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં ગળું ચિરાઈ ગયું હતું. ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે સારવાર દરમિયાન જ યુવકનું મોત નિપજ્યું હતું. હાલ, યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે લાંઘણજ લઈ જવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરાની યુવતી સાથે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના રિલેશનશિપ રાખી હોવાનો આક્ષેપ
ચાઇનીઝ દોરી ક્યાં સુધી લેશે જીવ?
નોંઘનીય છે કે, હજુ અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી 27 વર્ષના યુવકનું મોત થયું તેને અઠવાડિયું પણ નથી થયું, ત્યાં મહેસાણામાંથી ફરી આવી ઘટના સામે આવી છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, દેશભરમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ ચાઇનીઝ દોરી દર વર્ષે ઉત્તરાયણ પહેલાં લોકોના જીવ લેવા બજારમાં કેવી રીતે આવી જાય છે? આ ચાઇનીઝ દોરીની કાળાબજારી ક્યાંથી થઈ રહી છે? તેમજ નિંભર તંત્ર આ કાળાબજારી કેમ અટકાવી નથી શકતી? ક્યાં સુધી આ કાળાબજારીઓ તેમજ અમુક લોકોના ક્ષણિક મોજ-શોખના કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે?