ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ
Khyati Hospital: સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે આપેલી નોટિસનો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 11 દિવસ બાદ પણ જવાબ આપવા તસ્દી લેવાઇ નથી. જેના કારણે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમને વઘુ 3 દિવસની મહેતલ આપવામાં આવી છે.
11 દિવસથી નોટિસનો જવાબ આપવાનું ટલ્લે
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12-14 નવેમ્બર અને હવે 21 નવેમ્બરે વઘુ એક નોટિસ મોકલાઇ છે. આ નોટિસમાં દર્દીના મોત-સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલની નોંધણી, રજીસ્ટ્રેશન ડીડ, માલિકનું નામ, સી-ફોર્મ, હોસ્પિટલમાં કાર્યરત્ ડોક્ટરોના તમામ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલને લગતા દસ્તાવેજ પણ માગવામાં આવ્યા છે.
હવે વઘુ 3 દિવસની મહેતલ અપાઇ
આ નોટિસ આ વખતે હોસ્પિટલ ઉપરાંત સારવારમાં બેદરકારી દાખવનારા ડોક્ટરના ઘરે પણ મોકલાઇ છે. સારવારમાં બેદરકારી દાખવાનારો મુખ્ય ડોક્ટર પ્રશાંત વજીરાણી હાલ પોલીસ રીમાન્ડ હેઠળ છે અને જેના કારણે તે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સમક્ષ જવાબ આપવા હાજર થાય તેવી સંભાવના નથી.
આ ઉપરાંત અન્ય કસૂરવારો પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. ડો. પ્રશાંત વજીરાણી તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા સસ્પેન્ડ પણ કરાયો હતો. આ સ્થિતિમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ તેની સામે અન્ય કયા આકરા પગલા લેશે તે જોવું રસપ્રદ રહેશે.