સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા અપાશે, 16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
Gujarat News: ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગી કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
શ્રમયોગી કર્મચારીઓ માટે લેવાયો નિર્ણય
નોંધનીય છે કે, મતદાનના દિવસે જે-તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ કંડીશન્સ ઑફ સર્વિસ) એક્ટ, 2019 હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી-કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની રજા આપવામાં આવશે અથવા જે દિવસે સાપ્તાહિક રજા હોય તે દિવસે સંસ્થા ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
ચૂંટણી આયોગે કરી જાહેરાત
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
- મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
- મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
- મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)