ગુજરાતમાં જંગલો ઘટતા હિંસક પશુઓના હુમલા વધ્યા, માંડવીમાં દીપડો 7 વર્ષના બાળકને ખેતરમાં ખેંચી ગયો
Leopard Attack in Surat: ગુજરાતમાં ગ્રીનકવર સતત ઘટી રહ્યું છે, જેથી જંગલી પશુપક્ષીઓના રહેઠાણની જગ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને હિંસક પશુઓ ખોરાકની શોધમાં શહેરો તરફ આવતા માનવવસતીમાં તેમના હુમલા સતત વધી રહ્યા છે. હાલમાં જ એક સિંહણે બાળકને ફાડી નાખ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા, તો ક્યારેક દીપડાના હુમલા હાહાકાર મચાવે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી આવી જ ઘટના સામે આવી છે. અહીં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો છે. શેરડી કાપવા કરવા આવેલાં મૂળ મહારાષ્ટ્રનો મજૂર પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાંખીને રહેતા હતાં. ત્યારે સોમવારે મોડી સાંજે 7 વર્ષનો દીકરો રમતો હતો ત્યાં અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અહીં એક પરિવાર સીમમાં પડાવ નાંખીને રહેતો હતો, તે દરમિયાન બાળક બહાર રમી રહ્યું હતું. ત્યારે એકાએક બાળક આસપાસમાં ક્યાંય નજરે ન ચઢતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી. માતા-પિતા બાળકને શોધી રહ્યા હતાં, ત્યારે અચાનક તેમને દીપડાના પંજાના નિશાન દેખાયા. નિશાન જોતા જ પરિવારે વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગે જાણકારી મળતાં જ બાળકની શોધખોળ હાથ ધરી ત્યારે તે પડાવથી 300 મીટર દૂર શેરડીના ખેતરે જોવા મળ્યું.
આ પણ વાંચોઃ VIDEO : પિકનિક મનાવવા ગયેલા યુવક પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે મચી નાસભાગ
આ રીતે પકડાયો હિંસક દીપડો
બાળક મળતાં વન વિભાગે તેને થોડો સમય ત્યાં જ રહેવા દીધું અને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી. દીપડાએ જ્યા શિકાર કર્યો હતો ત્યાં જ મારણને રહેવા દઈ તેની આજુબાજુમાં દીપડાને પકડવા માટેના પાંજરા ગોઠવવામાં આવ્યાં. થોડા સમય બાદ જેવું દીપડો પોતાના અધૂરા મૂકેલા મારણને ફરી ખાવા આવ્યો ત્યારે વન વિભાગે તેને પકડી લીધો અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો.
દીપડાના બાળક પર હુમલાથી આખોય પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોતાના સાત વર્ષના દીકરાની મોતથી પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. હાલ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ શ્રમજીવી પરિવારને બાળકના મૃત્યુને લઈ સરકાર પાસે વળતરની અરજી પણ કરવામાં આવી છે.