'તારીખ પે તારીખના ટ્રેન્ડથી ન્યાય પદ્ધતિમાં વિલંબ', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની માર્મિક ટકોર

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
Bar Council of Gujarat


Bar Council of Gujarat: ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે રવિવારે (27મી જુલાઈ) ગુજરાત બાર કાઉન્સીલ અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઈટ અને મોબાઇલ એપ્લીકેશનનું લોન્ચિંગ થયું હતું. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્યના વકીલઆલમને ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'કોર્ટમાં વારંવાર તારીખો લેવી એ બહુ મોટી તકલીફ બની છે. આ એક ટ્રેન્ડ થઇ ગયો છે કે કેસમાં વારંવાર તારીખ લેવામાં આવે છે. બને તેટલું તારીખ લેવાનું વલણ ટાળવામાં આવે. એવુ નથી હોતું કે કેસ લાંબો ચાલશે તો અસીલ વધુ આવશે. તારીખ પર તારીખ લેવામાં આવે છે જેના કારણે ન્યાયમાં વિલંબ થાય છે અને પક્ષકારો પણ બિનજરૂરી હેરાન થાય છે.'

બાર એ બેન્ચ અને ન્યાય ઈચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે: સુનિતા અગ્રવાલ 

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા અપાયેલા 80 જેટલા મહત્ત્વના ચુકાદાઓ અંગેના પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. જેનો આભાર વ્યકત કરતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, 'બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એકમાત્ર બાર કાઉન્સીલ છે, જેણે ટેકનોલોજીને અપનાવીન એક નવીન પહેલ આરંભી છે. બાર કાઉન્સીલ દ્વારા મારા ચુકાદાઓનું પુસ્તક લોન્ચ કર્યું છે, જે મારું સૌભાગ્ય છે. આપણે સમાજના લોકોને ન્યાય અપાવવા કાર્ય કરી રહ્યા છીએ. બાર એ બેન્ચ અને ન્યાય ઈચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે. આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ અને ઈમાનદારી પૂર્વક આપણું કાર્ય કરવું જોઈએ. બાર અને બેન્ચ વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે અને ન્યાય વ્યવસ્થા વધુને વધુ મજબૂત થાય એ આપણા સૌના સહિયારા પ્રયાસ હોવો જોઈએ.'

આ પણ વાંચો: લૂંટો રે ભાઈ લૂંટો : કેસરિયો ખેસ પહેરો, પક્ષના નામે કાળા કરતૂત કરો, અઠવાડિયામાં 8 કેસનો ખુલાસો


હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું કે, 'બાર કાઉન્સીલ દ્વારા વકીલો માટે લો મેગેઝીન ઉપરાંત, મોબાઇલ એપ્લીકેશન તથા વેબસાઈટ શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાતના તમામ સિનિયર અને જુનીયર વકીલનો આઘુનિક કાયદા અને ચુકાદાઓ સહિતની ઉપયોગી માહિતી અને જાણકારી આંગળીના ટેરવે પ્રાપ્ય બનશે. બાર કાઉન્સીલ માત્ર બાર એસોસિએશન અને વકીલોના પ્રશ્નોની માત્ર રજૂઆત કરે અને તેનું પ્રતિનિધિત્ત્વ કરે તેટલા પૂરતું મર્યાદિત કાર્ય નથી. પરંતુ વકીલોને આઘુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરવાનો પણ પ્રયાસ કરાયો છે.'

વકીલોને હવે બાર કાઉન્સીલ સુધી ધક્કા નહી ખાવા પડે

ગુજરાત બાર કાઉન્સીલના ફાયનાસન્સ કમીટીના ચેરમેન અનીલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, 'લો હેરાલ્ડ અને ગુજરાત બારકાઉન્સીલની મોબાઈલ એપથી વકીલોને ફાયદો અને રાહત થશે. બાર કાઉન્સીલની મોબાઈલ એપથી વકીલો ઘેરબેઠા આંગળીને ટેરવે આઇકાર્ડના ફોર્મથી માંડી, ચેન્જ ઓફ નેમ, ચેન્જ ઓફ એડ્રેસ, ડેથ કલેઇમ, માંદગી સહાય તેમ જ તેમની વેલ્ફેર ફંડની રિન્યુલ ફીના ફોર્મ ડાઉનલોડ કરી શકશે અને ઓનલાઇન ફી ભરી ઘેરબેઠા આ તમામ સેવાઓનો લાભ મેળવી શકશે. જેના કારણે વકીલોને હવે ગુજરાત બાર કાઉન્સીલ સુધી લાંબા નહીં થવુ પડે કે ધક્કા નહીં ખાવા પડે. લો હેરાલ્ડ મોબાઇલ લિંકથી ડિજિટલ ફોર્મમાં ગુજરાત હાઇકોર્ટ-સુપ્રીમકોર્ટના ચુકાદાઓ મેળવી શકશે અને તેનો અભ્યાસ કરી શકશે.'

'તારીખ પે તારીખના ટ્રેન્ડથી ન્યાય પદ્ધતિમાં વિલંબ', ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની માર્મિક ટકોર 2 - image


Google NewsGoogle News