એક જ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, ગ્રામજનોમાં છવાઈ શોકની લાગણી
પ્રતિકાત્મક તસવીર |
Kutch News: કચ્છના માંડવીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયા હતાં, જ્યાં આકસ્મિક રીતે બંને બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે, રેતી ચોરવા આવેલાં લોકોએ ખાડો કર્યો હતો જેમાં પડી જવાથી બંને બાળકો તળાવમાંથી બહાર ન નીકળી શક્યાં અને તળાવમાં જ મૃત્યુ પામ્યાં.
શું હતી સમગ્ર ઘટના?
માંડવીના ન્યૂ મારવાડા વાસમાં રહેતાં બે બાળકો માંડવી-નલિયા રોડ પર ભેંસ ચરાવવા ગયા હતાં. જોકે, ત્યાં આકસ્મિક રીતે બંને બાળકો તળાવમાં ડૂબી ગયા હતાં. સાંજે ભેંસ ઘરે પહોંચી ગઈ પરંતુ બાળકો ઘરે ન આવતાં પરિવારજનોને ચિંતા થવા લાગી. ભેંસોને બાંધીને પરિવાર તેમજ ગ્રામજનો બાળકોને શોધવા નીકળ્યા હતાં. ત્યારે તેમને તળાવના કિનારે બાળકોના ચંપલ અને લાકડી મળી આવી હતી.
આ પણ વાંચોઃ વિકાસની વાતો વચ્ચે મૃત્યુંનો મારગ પણ કપરો બન્યો, જીવના જોખમે હોડીમાં કાઢી સ્મશાન યાત્રા
એક જ પરિવારના બે બાળકોના મોત
તળાવના કિનારે બાળકના ચંપલ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક તરવૈયા અને ફાયર બ્રિગેડને બોલાવી બાળકોની શોધ કરવાનું શરૂ કર્યું હતું. લાંબી શોધખોળ બાદ તળાવમાીંથી બંને બાળકોની લાશ મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતાં. મૃતક બાળકોનીસ ઓળખ 12 વર્ષનો હીરજી મારવાડા અને 10 વર્ષના ઓકેશ મારવાડા તરીકે થઈ છે. બંને પિતરાઈ ભાઈઓ છે. પોતાના 10 વર્ષના બાળકના મૃત્યુની ખબરથી પિતા મનજીભાઈ બેભાન થઈ ગયા હતાં. આ સાથે એક જ પરિવારના બે બાળકોની મોતથી આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ નકલી કોર્ટ કેસ: કોર્ટે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
બાળકોના મોત પર ગ્રામજનો રોષે ભરાયા હતાં. ગ્રામજનોનો આરોપ છે ગકે, રેતી ચોરી કરતાં ટ્રેક્ટરો દ્વારા કરવામાં આવેલા ખાડામાં ફસાઈ જવાથી આ બનાવ બન્યો હોય શકે. જેથી, ગ્રામજનોએ સરકારી તપાસની માગ કરી હતી.