'અમે આવતીકાલે જોહર કરીશું', ક્ષત્રિય મહિલાઓની ચીમકી બાદ પોલીસ દોડતી થઈ, આગેવાનો સમજાવવા પહોંચ્યા
Kshatriya on Rupala : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી લડી રહેલા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી રાજ્યના રાજકારણમાં હડકંપ મચ્યો છે. પરશોત્તમ રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈને મક્કમ છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચે અને ભાજપ ઉમેદવાર બદલે. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધરાયા છે, તેમ છતા ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી. ત્યારે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાતને ચોંકાવી દીધું છે. માહિતી મળી રહી છે કે, કેટલીક ક્ષત્રિય મહિલાઓ આવતીકાલે (શનિવાર) ગાંધીનગરમાં કમલમ ખાતે જોહર કરવાની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
જોહર પહેલા ક્ષત્રિય મહિલાઓએ આજે મહેંદી લગાવી હતી અને આવતીકાલે જોહર કરવાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબાનો આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. પ્રજ્ઞાબા ઝાલાએ જોહરની ચીમકી ઉચ્ચારી છે. ત્યારબાદ ચેતનાબા જાડેજાએ પણ જોહર કરવાની વાત કરી છે.
અમે આવતીકાલે સાંજે ચાર વાગ્યે જોહર કરીશું : ક્ષત્રિય મહિલા
પ્રજ્ઞાબા ઝાલાએ જોહર અંગે વાત કરતા કહ્યું છે કે, 'રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જોહર કરીશું. આજથી અમે જોહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોહર પહેલા અમે છેલ્લીવાર દુલ્હનની જેમ સજી લઈએ. અમે સુહાગન છીએ એટલે અમારા હાથમાં મહેંદી લગાવાઈ રહી છે. કાલે સાંજે 4 વાગ્યા બાદ જોહર કરીશું. 4 વાગ્યા પહેલા નિર્ણય થશે તો અમારે આહૂતિ આપવાની જરુર નથી. ક્ષત્રિય મહિલાઓને જ્યારે લાગે કે હાર થઈ છે, ત્યારે આ પગલું ભરતી હોય છે. રૂપાલામાં એવું શું છે કે હટાવી શકાતા નથી. અમે એકજ વારમાં રજવાડા આપી દીધા. તો અમારી તો એક માંગ છે.'
ક્ષત્રિય મહિલાઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે. જોહરના નિર્ણય બાદ પોલીસની ટીમ ક્ષત્રિય મહિલાઓના ઘરે તેમના નિવેદન લેવા માટે પહોંચી છે. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો પણ ક્ષત્રિય મહિલાઓને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે
ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા 7મી એપ્રિલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહેશે. જેની રણનીતિ ઘડવા માટે ગત 3 એપ્રિલે ધંધુકા રાજપૂત બોર્ડિંગમાં મીટિંગ યોજાઈ હતી. જેમાં ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાના ક્ષત્રિય સમાજના 500થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.