ખેડામાં નીલગાય સાથે અથડાતાં કાર પલટી, ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, મંદિરના કામથી નીકળ્યા હતા
Gujarat Accident: ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે (16 જાન્યુઆરી) રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. નીલગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ગઈ. કાર એટલી ભયાનક રીતે પલટી કે, કારમાં બેઠેલાં ચારેય યુવકની ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ પણ વાંચોઃ છાપીના મહિલા સરપંચના પતિ 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBની જાળમાં ફસાયા
ચાર લોકોના થયાં મોત
મળતી માહિતી મુજબ, ઇકો કારમાં પાંચ લોકો સવાર હતાં જેમાંથી ચાર લોકો મોતને ભેટ્યા છે અને એક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોની ઓળખ ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ, ઠાકોર વિનુભાઈ ગબાભાઈ, ઠાકોર રાજેશકુમાર સાલભાઈ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહ તરીકે થઈ છે. ચારેય મૃતક મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી છે. ધાર્મિક કામે નિકળેલા લોકો અકસ્માતનો ભોગ બનતા શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, ખેડામાં મહીસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર નીલગાયનો ત્રાસ છેલ્લાં ઘણાં સમયથી જોવા મળી રહ્યો છે. આ પહેલાં પણ અવાર-નવાર આ પ્રકારના નાના-મોટા અકસ્માત આ હાઇવે પર સર્જાતા હોય છે. હાલ, આ ચારેય યુવકના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.