Get The App

દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી 1 - image


Gujarat IPS officer : ગુજરાતના 2022ની બેચના ટ્રેઈની આઈપીએસ ઓફિસર રોહિત કુમાર તંવરે દિલ્હીમાં હવાલદાર હરભજનસિંહને લાફો ઠોકી દેતાં રવિવારની રાત અને સોમવારનો આખો દિવસ લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયો હોવાનો મીડિયા રીપોર્ટમાં દાવો કરાયો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ દખલગીરી પછી રોહિત કુમાર તંવરે હવાલદારની લેખિતમાં માફી માગતાં પોલીસે તેને જવા દીધો હતો એવો દાવો પણ રીપોર્ટમાં કરાયો છે. રોહિત કુમાર હાલમા વિસાવદરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએેસપી) તરીકે ફરજ બજાવે છે. 

કાર ડ્રાઈવ કરી રહેલા આઈપીએસ અધિકારીના મિત્રે દારૂ પીધો હતો

આ મામલે મીડિયાએ દક્ષિણ-પૂર્વ જિલ્લા ડેપ્યુટી કમિશનર રવિકુમાર સિંહનો સંપર્ક કરતાં તેમણે આ કેસની તપાસ ચાલી રહી હોવાથી કશું કહી ના શકાય એમ કહીને વિગત આપવાનો ઈન્કાર કરી દીધો હતો પણ આ ઘટના બની હોવાનો ઈન્કાર નથી કર્યો. લાજપત નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રોહિત તંવરને બેસાડી રખાયો હોવાનો સ્વીકાર કર્યો છે.

હરિયાણાના બહાદુરગઢનો રહેવાસી રોહિત તંવર ગુજરાત કેડરમાં આઈપીએસની ટ્રેઈનિંગ લઈ રહ્યો છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, રવિવારે રાતે રોહિત તંવર પોતાના કેટલાક મિત્રો સાથે દિલ્હીના લાજપતનગર આવ્યા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે તંવર પોતાના દોસ્તો સાથે પાછા ફરતા હતા ત્યારે લાજપતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હવાલદારે તેમની કારને રોકી હતી. 

કાર ડ્રાઈવ કરી રહેલા આઈપીએસ અધિકારીના મિત્રે દારૂ પીધો હતો તેથી હવાલદાર હરભજને તેને ડ્રાઈવિંગ નહીં કરવા સૂચના આપી હતી. તેનાથી ઉશ્કેરાયેલા રોહિત તંવરે હરભજનને લાફો ઠોકી દીધો હતો. એટલું જ નહીં પણ રોહિત તંવર તથા તેના મિત્રો હરભજનને બળજબરીથી ગાડીમાં નાંખીને લાજપતનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

લાજપત નગર પોલીસ સ્ટેશનમાં ફરીથી ઝઘડો થયો હતો.  મારામારી કરીને રોહિત તંવર પોતાના મિત્રો સાથે નિકળી ગયા હતા પણ હરભજને કોલ કરીને પીસીઆર વાન બોલાવતાં સ્ટેશન ઈન્ચાર્જે રોહિત તંવર તથા તેના મિત્રોને ફોન કરીને પાછા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. તંવરે આઈપીએસ તરીકે રોફ ઝાડતાં અકળાયેલા અધિકારીને તંવર તથા તેના મિત્રોને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. 

Tags :