ગુજરાતના પાંચ MLA સાથે 30 વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી
VIP security in Gujarat: ગુજરાતમાં કોઇ મહાનુભાવને ધમકી મળતી હોય અથવા તો તેમને જાનનું જોખમ હોય ત્યારે આઈબીના ઇનપુટના આધારે સલામતી વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય છે. પરંતુ સમય જતાં પાછી પણ ખેંચી લેવામાં આવે છે. પાંચ ધારાસભ્યો સાથે આવા 30 જેટલા વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.
પાસ કન્વિનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પાછી ખેંચી
રાજ્યના આઇબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે તેમાં કેટલાક ધારાસભ્યો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આશ્ચર્ય સાથે પાસ કન્વિનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. એકમાત્ર કલ્પેશ ગોસ્વામીએ સુરક્ષા સામેથી પાછી લેવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ઝઘડિયાની બાળકીને ક્યારે મળશે ન્યાય? ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ
સામાન્ય રીતે દર છ મહિને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠકમાં વીઆઇપી સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવતી હોય છે. આ એક રૂટીન પ્રક્રિયા છે, આઇબી ઈનપુટના આધારે તેનો નિર્ણય કરવામાં આવતો હોય છે. કોઇપણ રાજનેતાને ધમકી મળતી હોય ત્યારે તમામ પાસા ચકાસીને ગૃહ વિભાગ સલામતી વ્યવસ્થા આપે છે તેવી રીતે સમય જતાં પાછી પણ ખેંચવામાં આવે છે.
રાજ્યમાં ધારાસભ્યો, રાજકીય નેતાઓ, પાર્ટીના આગેવાનો અને અન્ય વીઆઇપીને પ્રોટોકોલ પ્રમાણે ગૃહના સલામતી વિભાગ કે જિલ્લા પોલીસ કચેરી તરફથી સુરક્ષા આપવામાં આવે છે. આ સુરક્ષામાં હથિયારી પોલીસ ગાર્ડ કે એસઆરપીએફના સલામતી જવાનો ફરજ બજાવતા હોય છે. આ યાદીમાં વીઆઇપી સાથે અનેક એવા લોકો પણ છે કે જેમને જોખમ લાગ્યું છે તેમને સુરક્ષા આપવામાં આવી હતી.