'ધોકો ઉપાડો, એકેય માવો થૂંકવાની હિંમત નહીં કરે...' હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ ચર્ચામાં
Harsh Sanghvi Advice to Women: 'ધોકો હાથમાં લઈ લો... આમાંથી એકેય સોસાયટીની નીચે માવો થૂંકવાની હિંમત નહીં કરે' ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં હર્ષ સંઘવીએ શનિવારે (11 જાન્યુઆરી) ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને માવા ખાઈને થૂંકનારાઓને સીધા કરવા માટે તેઓએ મહિલાઓને આ સલાહ આપી હતી. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં સામાજિક મુદ્દાઓ અંગે હર્ષ સંઘવી મહિલાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતાં. આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, 'કોના-કોના ઘરમાં ધોકા છે? જે લોકો સોસાયટીની નીચે બેઠા-બેઠા મોડી રાત સુધી માવા ખાઈને પિચકારી મારે તો શું કરવાનું? આ લોકોને અટકાવવા હોય અને સ્વચ્છતા જાળવવી હોય તો ફક્ત એક કામ કરવાનું છે. બહેનોએ હાથમાં ધોકો લઈને નીચે જવાનું છે. જો તમે બધાં ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક પણ વ્યક્તિ સોસાયટી નીચે માવો ખાવાની હિંમત નહીં કરે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાની ગંદી આદત પણ અટકી જશે અને બીમારી ફેલાતી ઘટશે તેમજ પુરૂષોની મોડી રાત સુધી બેસવાની આદત પણ છૂટી જશે.'
આ પણ વાંચોઃ એમ.એસ. યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસરની ધરપકડ, બિભત્સ હરકતો કરતો હોવાના આરોપ
હર્ષ સંઘવીના નિવેદનથી ચર્ચા
હર્ષ સંઘવીનું આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે. ઘણાં લોકો હર્ષ સંઘવીના આ નિવેદનને ટેકો આપી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ તેમના આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે. જો ગૃહ રાજ્ય મંત્રી જેની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, તે જ સરેઆમ લોકોને કાયદો હાથમાં લેવાની સલાહ આપશે તો રાજ્ય કઈ દિશા તરફ જશે?... એવી પણ લોકોએ ટિપપ્ણી કરી છે.