ગુજરાત હાઇકોર્ટ એક આરોપીની સાત દિવસની હંગામી જામીન અરજી ફગાવી
મીરઝાપુરમાં યુવકની હત્યાનો મામલો
તબીબની સલાહ ન હોવા છતાંય, સોલા સિવિલમાં પોતાની સર્જરી હોવાનું કહી આરોપીની પત્નીએ જામીન માટે દાદ માંગી હતી
અમદાવાદ,રવિવાર
ગત ઓક્ટોબરમાં ૨૦૨૩માં કરીમ પઠાણ અને ત્રણ પુત્રોએ મિરઝાપુર વિસ્તારમાં મોહમદ બિલાલ નામના યુવકની ધંધાકીય અદાવતમાં છરીના ૪૦ જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસના મુખ્ય આરોપી પૈકી મોહસીન પઠાણ નામના આરોપીની પત્નીને બ્રેસ્ટ સર્જરી હોવાનું કારણ આપીને ગુજરાત હાઇકોર્ટમાં સાત દિવસના હંગામી જામીન માટે અરજી કરવામાં આવી હતી. જો કે આરોપીની પત્નીને સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ કોઇ સર્જરીની સલાહ આપી ન હોવા ઉપરાંત, આરોપીઓએ મૃતકના પરિવારજનો કેસમાં સમાધાન માટે સતત ધમકી આપવામાં આવતી હોવાના કારણને કોર્ટે ધ્યાનમાં રાખીને જામીન અરજી નકારી હતી.
શહેરના મિરઝાપુર વિસ્તારમાં કરીમખાન સૈયદે તેના ત્રણ પુત્રો
મોહસીન પઠાણ, ઇમરાન
પઠાણ અને વસીમ પઠાણ સાથે મળીને ૧૧ મહિના
પહેલા ધંધાકીય અદાવતમાં મોહમદ બિલાલ બેલીમ નામના યુવકની છરીને ૪૦થી વધુ ઘા મારીને
ક્રુર હત્યા કરી હતી. જે કેસમાં શાહપુર પોલીસે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
આ આરોપીઓ પૈકી મોહસીન પઠાણ નામના આરોપીની પત્નીએ
પોતાની બ્રેસ્ટ સર્જરી હોવાનું કારણ
આપીને પતિ મોહસીનને સાત દિવસના હંગામી જામીન આપવા માટે અગાઉ નીચલી કોર્ટમાં
દાદ માંગી હતી. જો કે કોર્ટે તેની જામીન અરજી નકારતા તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી
કરી હતી.
જેમાં કોર્ટેમાં મૃતકના ભાઇ અરબાઝ બિલાલે નિવેદન આપ્યું હતું કે આરોપીઓએ તેમના પરિવારને સાબરમતી જેલમાંથી ફોન કરીને સમાધાન માટે અગાઉ ધમકી આપી હતી. તેમજ મૃતકની માતાને પણ ધમકી આપી હતી. જેથી આરોપી જામીન પર બહાર આવે તો મૃતકના પરિવારને જોખમ છે. આ ઉપરાંત, કોર્ટે નોંધ્યું હતું કે મોહસીનને પત્નીને સોલા સિવિલના તબીબોએ સર્જરીની કોઇ સલાહ આપી નથી. આમ, તેણે ખોટા ગ્રાઉન્ડ પર જામીનમાં માંગતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેકવાર નીચલી કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી નકારી હતી.