Get The App

મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટનો જામીન આપવા ઇન્કાર

Updated: Jan 19th, 2024

GS TEAM


Google News
Google News
મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટનો જામીન આપવા ઇન્કાર 1 - image


- એસ.કે.લાંગાએ જમીનો અંગે કરેલા હુકમોની સરકાર પુનઃ સમીક્ષા કરશે

અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

ગાંધીનગર જિલ્લાના મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાને રેગ્યુલર જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વના આદેશ મારફતે સાફ ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન એસ.કે.લાંગાએ પોતાની જામીન અરજીમાં એવો બચાવ રજૂ કર્યો હતો કે, તેમણે કરેલા સંબંધિત હુકમો અંગે સરકારે કોઇ પુનઃવિચારણા કરી નથી કે તેને રદબાતલ પણ ઠરાવ્યા નથી, તેનો મતલબ કે તેમના હુકમો ખરા અન અંતિમ હતા. જો કે, એડિશનલ એડવોકેટ જનરલે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, રાજય સરકારે લાંગા દ્વારા જે કોઇ હુકમો જારી કરાયા છે, તેની પુનઃસમીક્ષા કરવાનું નક્કી કર્યું છે અને તે માટેની જરૂરી પ્રક્રિયા પણ ચાલી રહી છે. 

લાંગાએ કલેકટર તરીકેની સત્તાનો દુરુપયોગ કરી પોતાના અંગત લાભ માટે રાજય અને પ્રજાના હિત વિરુદ્ધનું કૃત્ય કર્યું છે : હાઇકોર્ટ

એસ.કે.લાંગાએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી આજે જસ્ટિસ એમ.આર.મેંગડેએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપીએ કલેકટર તરીકેની સત્તાનો દૂરપયોગ કરી પોતાના અંગત લાભ માટે રાજય અને પ્રજાના હિત વિરૂધ્ધનું કૃત્ય આચર્યું છે. આરોપીએ 30,431 ચો.મી જેટલી જમીનના હુકમો હિત ધરાવતા લોકોને ફાળવણીના હુકમો કરી નાંખ્યા હતા, જે જમીન સરકારની માલિકીની હતી. લાંગા વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ સહિતના પોતાની સત્તાનો દૂરપયોગ કરી એનએના વિવાદીત હુકમો કરવામાં આવ્યા હતા. જેને લઇને એસ.કે.લાંગા વિરૂધ્ધ ગાંધીનગર સેકટર-7 પોલીસમથકમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ચકચારભર્યા આ કેસમાં બે મહિના બાદ આખરે પોલીસે એસ.કે.લાંગાની આબુથી ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ જતાં એસ.કે.લાંગાએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મીતેશ અમીન અને અધિક સરકારી વકીલ એલ.બી.ડાભીએ જણાવ્યું હતું કે, અરજદારે પૂર્વ કલેકટર તરીકેની સત્તા અને હોદ્દાનો દૂરપયોગ કરી ભ્રષ્ટાચારના ઓઠા હેઠળ ગેરકાયદે રીતે જમીન એન.એ. કરવા અંગેના હુકમો કર્યા હતા. જેમાં કેટલીક નંબર વિનાની જમીનોના હુકમો પણ કરી દેવાયા હતા, જે ખરેખર સરકારની માલિકીની હતી. લાંગાએ જે વ્યકિતોએ ખેડૂત જ ન હતી તેવી વ્યકિતઓને પણ માત્ર આર્થિક ફાયદા માટે જમીન ફાળવણી કરી હતી. સરકારપક્ષ તરફથી તા.29-4-2010નો તત્કાલીન મામલતદારનો હુકમ પણ રજૂ કર્યો હતો કે જેના મારફતે હિતકર્તા લોકોને જમીનનો દાવો નામંજૂર કરાયો હતો. મામલતદારનો આ હુકમ 2014માં ડેપ્યુટી કલેકટર દ્વારા પણ કાયમ રખાયો હતો, 2015માં આ અંગેનો હુકમ પણ કરાયો હતો. પરંતુ વર્ષ 2019માં જયારે અરજદાર ગાંધીનગર કલેકટર તરીકે સત્તામાં હતા ત્યારે તેમણે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-211 હેઠળ સુઓમોટો રિવીઝન  કરી જે હિતવાળા લોકો હતા તેમની તરફેણમાં ભ્રષ્ટાચાર આચરી હુકમો કરી નંખાયા હતા, જેના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું બહુ મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આરોપીએ કલેકટર તરીકેની સત્તા અને હોદ્દાનો દૂરપયોગ કરી વિવાદીત હુકમો કર્યા હતા અને ભૂતકાળમાં પણ અદાલતની શરતોનો ભંગ કર્યો છે. આ સંજોગોમાં લાંગાની જામીન અરજી કોર્ટે ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.મેંગડેએ એસ.કે.લાંગાના જામીન ફગાવી દીધા હતા. 

લાંગાને જામીન અપાય તો દેશ છોડી ભાગી જાય તેવી શકયતા

સરકારપક્ષ તરફથી એવી પણ ગંભીર દહેશત વ્યકત કરાઇ હતી કે, એસ.કે.લાંગાને જો જામીન અપાય તો તે દેશની છોડીને ભાગી જવાની પૂરી દહેશત છે. વળી, તે કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે પણ ચેડા કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે આરોપી લાંગાના જામીન ફગાવી દેવા જોઇે. 

લાંગાના સાળાના નિવેદનમાં જ રૂ.85 લાખ લીધાનો ખુલાસો

સરકારે મોટો ખુલાસો કર્યો હતો કે, સુરેશ ગઢવી કે જે અરજદારનો સાળો છે તેણે તા.24-7-2023ના નિવેદનમાં જણાવ્યું છે કે, લાંગાની નિવૃત્તિ તા.30-9-2019ના દસ-બાર દિવસ પહેલાં તેમણે તેને જણાવ્યું હતું કે, રાજેન્દ્ર હેમુભાઇ ગઢવી, અમરસિંગ રાબા અને અન્ય એક વ્યકિત તેની પાસે આવશે અને રૂ.85 લાખ આપી જશે. તે મુજબ આ વ્યકિતઓ તેને રૂ.85 લાખ આપી ગયા હતા. સરકારપક્ષે આ પુરાવા સાથે હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે, આ વાત પરથી સાબિત થઇ જાય છે કે, એસ.કે.લાંગાએ ગેરકાયદે લાંચ-ભ્રષ્ટાચાર પેટે રૂ.85 લાખ મેળવી હિતવાળા વ્યકિતઓની તરફેણ કરી હતી. 

લાંગા અને તેના કુટુંબીજનોની મિલકત રૂ.18 કરોડથી પણ વધુની

એડિશનલ એડવોકેટ જનરલ મીતેશ અમીને એસ.કે.લાંગાની મિલ્કતોની આખી યાદી કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી અને એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, લાંગા અને તેના અન્ય કુંટુંબીજનોની મિલ્કતો રૂ.18 કરોડથી પણ વધુની થવા જાય છે. જે લાંગાની આવક કરતાં ઘણી વધારે છે.


Tags :