ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત હાઇકોર્ટ
Gujarat High Court: પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.'
બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં: હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'લોકો એટલા બિન્દાસ છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં. ખાલી ચલણ આપવાથી કોઇ સુધારો નહી આવે, તમારે આવા લોકો સામે અટકાયતી પગલા લેવા જોઈએ અને લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ.' આ સૂચન બાદ રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: શરીર પર લાલ ચકામા, ખંજવાળ, માથાના દુઃખાવા સહિત ડેન્ગ્યુના તાવના કેસ વધતાં તંત્રની ચિંતા વધી
અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહનો માટે વાહનચલાવનાર અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટના નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અગાઉ કરેલા નિર્દેશ બાદ પણ તેની કોઇ અમલવારી નહીં દેખાતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી. સરકારપક્ષને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'અમને ખબર છે કે અમુક બાબતોમાં સુધારો આવવામાં સમય લાગે છે, પરંતુ હાલમાં અમને કોઈ સુધારો દેખાતો નથી. અમે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં કોઇ દ્વિચક્રી વાહનચાલક હેલમેટ પહેરતો નથી.' આ કેસમાં આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટના નિર્દેશોના પાલન મુજબ લેવાયેલા પગલાંની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે ઇ ચલણ કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પાલન કરાવવા માટે ટેકનોલોજીની મદદ લેવા પણ સૂચન કર્યું હતું. હાઇકોર્ટે ઈ ચલણની કાર્યવાહીનો અમલ કરવાની બાબત કહીને તેનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જણાય તેમના લાયસન્સ કેન્સલ નહીં કરતા પંદર દિવસ કે એક મહિનાના સમય માટે સસ્પેન્ડ કરવા જોઇએ જે એક પ્રકારે પૂરતી સજા છે અને લોકો પછી બીજી વખત ગુનો કરવાની હિંમત કરશે નહી. આ તબક્કે પિટિશનર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ મીહિરભાઇ ઠાકોરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા લોકોના વાહન જપ્ત કરવાનું સૂચન કર્યું હતું.
ગેરકાયદે પાર્કિંગ-રોંગ સાઇડ ડ્રાઇવીંગ સામે હાઇકોર્ટની લાલ આંખ
જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતાં ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ ચલાવાતા વાહનો મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં જણાવ્યું કે,'આવા લોકો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. લોકોને રોંગ સાઇડમાંથી પસાર થવામાં જાણે કે આનંદ આવે છે. ઈ ચલણના ઠગલાબંધ કેસો પડતર છે અને તેના માટે એક મેજીસ્ટ્રેટની અલગ કોર્ટ ચાલે છે. ટ્રાફિક ભંગના ગુનામાં લાયસન્સ 20 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવું જોઇએ.
હાઈકોર્ટે કયા મુદ્દા પર સરકારને સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું?
•શહેરમાં ટ્રાફિકના નિયમો અને કાયદાકીય જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરાવો
•શહેરના વિકાસ માટે યોગ્ય પ્લાનીંગ કરવા માટે નિષ્ણાતોની સલાહ અને અભિપ્રાય મેળવવા
•પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ વેળાસર ભરી દેવી
•શહેરના વિકાસનું આયોજન 5-10 વર્ષને ઘ્યાનમાં રાખીને નહી પરંતુ આગામી 50 વર્ષને ઘ્યાનમાં રાખીને કરવુ
•ટ્રાફિક નિયમોની ચુસ્તતાપૂર્વક, ઝડપી અને અસરકારક અમલવારી માટે ટેકનોલોજીની મદદ લેવી