'તમારી વાતો ફક્ત કાગળ પર...', સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMCનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
'તમારી વાતો ફક્ત કાગળ પર...', સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMCનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો 1 - image


Gujarat High Court on AMC: સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી સાબરમતી નદીના શુદ્ધિકરણ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે કોઈ નક્કર જવાબ રજૂ નહીં થતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે ભયંકર નારાજગી વ્યકત કરી હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે, 'તમારી બધી વાતો કાગળ પર છે. દર વખતે AMC વચનો આપે છે પરંતુ પાળતું નથી. સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તમે લોન્ગ ટર્મ પ્લાનને સુપર લોન્ગ ટર્મ પ્લાનમાં રૂપાંતરિત માંગતા હોવ એમ જણાય છે. હકીકતમાં તમારામાં કામ કરવાની ઇચ્છા શક્તિનો જ અભાવ છે, તમારામાં ઇચ્છા શક્તિ હોત તો તમારું આવું ઉદાસીન વલણ ના હોત.' 

 જે કામ AMCને કરવાનું છે તે અમે કરી રહ્યા છીએ : હાઇકોર્ટ

સાબરમતીમાં પ્રદૂષણ અંગેની પીઆઇએલની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે AMC પાસેથી માસિક પ્રોગ્રેસ રિપોર્ટ માગતી પૃચ્છા કરી હતી. AMC તરફથી જણાવાયું હતું કે, 'અમે અત્યાર સુધીમાં બે રિપોર્ટ રજૂ કર્યા છે અને ત્રીજો રિપોર્ટ આજના સોંગદનામાં સાથે છે.' હાઇકોર્ટે એસટીપીના અપગ્રેડેશન સહિતના મુદ્દે પણ  AMCને સવાલ કર્યો હતો. જેથી AMC તરફથી જણાવાયું કે, 'AMC દ્વારા શોર્ટ ટર્મ સોલ્યુશન સંબંધી પગલાં લેવાયા છે. જરૂરિયાત પ્રમાણે બે પમ્પીંગ સ્ટેશન શરુ કરાયા છે.'

આ પણ વાંચો: કાયમી OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો; 'જવાબ આપો, નકામી દલીલ ના કરો'

106 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતાને લઈને હાઇકોર્ટે  જણાવ્યુ કે, 'મીડ ટર્મ પ્લાન મુજબ, ફેબ્રુઆરી-2025 સુધીમાં કામ પૂરું થવાની શકયતા છે. દરમિયાન ટેન્ડર અપાયું નથી તો તમે કેમ કોર્ટને જણાવ્યું કે, જૂનમાં કામ શરુ થઈ જશે કે જ્યારે હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાવાનો બાકી છે. તમે દર વખતે તમારા પ્રશ્નો જણાવો છો પરંતુ શું પ્રગતિ થઈ છે તે જણાવતા નથી. જો તમારા એસટીપી પૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરતાં ના હોય અને 35 એમએલડી વોટર તમે ડાયવર્ટ કરતાં હોવ તો તેની શું અસર થાય? આ અનટ્રીટેડ વોટર નદીમાં જાય છે. AMCના વકીલોએ કરોડોના ખર્ચના પ્રોજેકટની વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હાઇકોર્ટે તરત જ તેમને અટકાવતાં સંભળાવ્યું કે, 'ખર્ચાની વાત ના કરો અમને લોકોના જીવનની પડી છે. તમારા તરફથી થયેલ પ્રગતિ કોઈપણ રીતે સંતોષકારક નથી.'

AMC તરફથી દાવો કરાયો કે, જૂના પીરાણા એસટીપીનો શોર્ટ ટર્મ પ્લાન પૂર્ણ થયો છે. AMCએ આ એસટીપી પ્લાન્ટને સો ટકા ક્ષમતા સાથે કાર્યરત હોવાનો દાવો કરતાં હાઇકોર્ટે જીપીસીબીને પૂછયું હતું કે, 'શું તમે આ એસટીપીનું ઇન્સ્પેકશન કર્યું છે?' દરમિયાન કોર્ટ સહાયક હેમાંગ શાહે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, 'એસટીપીનું કાર્ય એનજીટી નોર્મ્સ પ્રમાણે નથી.'

AMCએ જણાવ્યું કે, 'ગેરકાયદે ઔદ્યોગિક જોડાણો ધ્યાનમાં આવતાં તે પણ દૂર કરાયા છે. હાઇકોર્ટે AMCને એ મુદ્દે પણ પકડી પાડ્યું કે, તમારો વાસણા એસટીપી પણ અડધી ક્ષમતા સાથે કામ કરે છે. તમારા નવા એસટીપી 2026, 2027 અને 2028માં આવવાના છે અને તમે સુએઝ વોટર-એફલુઅન્ટ ડાયવર્ટ કરી રહ્યા છો તો તમે સોલ્યુશનની કેમ વાતો કરો છો? બાયપાસ એેફ્લુઅન્ટ AMC માટે એક સમસ્યા છે. 

હાઇકોર્ટે ટકોર કરી કે, 'ઔદ્યોગિક એફ્‌લુઅન્ટ ડોમેસ્ટીક એસટીપીમાં ઠલવાય છે અને દર વખતે તમે ફરિયાદ કરી રડ્યા કરો છો. વર્ષોથી આ સમસ્યા નથી, છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ સમસ્યા છે. પરંતુ તમે બ્લ્યુ પ્રિન્ટ કરતાં નથી અને કમીટ કરતા નથી. કારણ કે, તમે એક યા બીજી વાત કરી શકો અને દર વખતે અદાલત સમક્ષથી છટકવાનો પ્રયાસ કરો છો. તમારામાં ઇચ્છા શક્તિનો અભાવ છે. તમારી કોએએ ઇચ્છા શક્તિ જ નથી. જો તમારી ઇચ્છા શક્તિ હોત તો તમારું આવું ઉદાસીન વલણ જ ના હોત.' 

તમે સોગંદનામાંમાં કેમ 100 ટકા શબ્દ લખો છો

હાઇકોર્ટે AMCને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, 'તમે દર વખતે 100 ટકા શબ્દ વાપરીને સોગંદનામાંમાં ખાતરી આપો છો પરંતુ કંઈ પાલન તો થતું નથી તો તમે કેમ 100 ટકા શબ્દ જવાબમાં લખો છો. તમે જે પ્રકારે કેસ ચલાવી રહ્યા છો તે જોતાં સ્પષ્ટ થાય છે કે, તમને અદાલતના હુકમ પરત્વે કોઈ માન કે આદર નથી. તમારે જ પગલાં લેવાના હતા, તે લીધા જ નથી. તમારી ભૂલનો તમે સ્વીકાર કરતાં નથી એ સૌથી મોટી સમસ્યા છે. અદાલત સમક્ષ સોંગદનામું ધ્યાન કરતી વખતે તમે ખાસ ધ્યાન રાખો. તમારી ઓરલ ઇન્સ્ટ્રકશન પર અમે કોઇ બાબત સ્વીકારીશું નહીં.'

પેઇન્ટેડ ચિત્ર બતાવો છો, તમે તમામ બાબતે નિષ્ફળ જ છો

ટેન્ડર કે વર્ક ઑર્ડર કયાં છે? બીડ પેન્ડીંગ છે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ? માત્ર ત્રણ જ નવા એસટીપી બનવાના છે અને બાકીના જૂના એસટીપીનું શું ? તમને ખબર છે શું થાય? AMCએ જવાબ આપ્યો કે, 'અમે અમારી જવાબદારીમાંથી નિષ્ફળ જઈએ.' હાઈકોર્ટે રોકડું પરખાવ્યું કે, 'તમે તમામ બાબતે નિષ્ફળ જ છો. કોઈ પ્રગતિ જ નથી. માત્ર પેઇન્ટેડ ચિત્ર બતાવો છો. ત્રણ નવા એસટીપીને લઈ તમે લોન્ગ ટર્મની વાત કરો છો તો લોન્ગ ટર્મ શું છે? પ્રોગ્રેસ તો છે નહીં. અદાલત AMC પાસેથી શું અપેક્ષા રાખે છે તે તમે સમજી શકતા નથી.'

'તમારી વાતો ફક્ત કાગળ પર...', સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMCનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો 2 - image


Google NewsGoogle News