શાહરુખ ખાનને મોટી રાહત, લતીફના વારસદારોને પક્ષકાર બનાવવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ રદબાતલ
Defamation Suit Against Raees, HC Provides Relief To SRK: ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના આદેશ મારફતે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્મ રઇસના નિર્માતાઓ સામે આઠ વર્ષ જૂના માનહાનિના દાવામાં ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ જે.સી.દોશીએ ત્રણ દિવસમાં હાઇકોર્ટના આ હુકમ મુજબ, મૂળ દાવામાં વાદી તરીકે સામેલ કરાયેલા નામો કમી કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો.
લતીફના પરિવારે રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો
રઇસ ફિલ્મ જાન્યુઆરી 2017 માં રિલીઝ થઈ હતી અને લતીફના પરિવારે આ ફિલ્મમાં તેમના પરિવારની છબીને ક્ષતિ પહોંચાડવા બદલ સિવિલ કોર્ટમાં રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્ય લોકોએ આ દાવાને હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.
શાહરૂખ અને અન્ય લોકોએ આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી
જેમાં અગાઉ, નીચલી અદાલતે લતીફના વારસદારોને રૂ.101 કરોડના નુકસાન માટે માનહાનિના દાવામાં વાદી તરીકે જોડાવાની પરવાનગી આપી હતી. શાહરૂખ અને અન્ય લોકોએ નીચલી કોર્ટના આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ફિલ્મ રઇસના કારણે દાવો દાખલ કર્યો હતો
જાન્યુઆરી 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અબ્દુલ લતીફ પર આધારિત એક પાત્ર દર્શાવવામાં આવ્યું છે. બદનક્ષીનો દાવો મૂળ 2016 માં લતીફના પુત્ર મુશ્તાક અબ્દુલ લતીફ શેખ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે દાવો શરૂ કર્યાની તારીખથી 18 ટકા વ્યાજ સાથે રૂ. 101કરોડનું નુકસાન માંગ્યું હતું, એવો આરોપ મૂક્યો હતો કે ફિલ્મે તેમના પિતાની પ્રતિમાને કલંકિત કરી છે.
દરમ્યાન લતીફના પુત્ર મુશ્તાકનું ગત તા.06/07/2020ના રોજ નિધન થતાં તેની વિધવા અને બે પુત્રીઓએ તા.27/04/2022ના રોજ બદનક્ષીના દાવામાં વાદી તરીકે સામેલ થવા અરજી કરી હતી. જે સિવિલ કોર્ટે મંજૂર રાખી હતી અને તેમને વાદી તરીકે સામેલ કર્યા હતા.
અમદાવાદ સિવિલ કોર્ટમાં આ દાવાને પડકારવામાં આવ્યો હતો
સિવિલ કોર્ટ, અમદાવાદના આ હુકમને શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાન ઉપરાંત, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટ દ્વારા દાવો રદબાતલ કરવામાં આવ્યો
ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925ની કલમ-306 પર આધાર રાખીને, અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે, નુકસાનની કાર્યવાહી વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની સાથે જ મટી જાય છે. તેથી, માનહાનિ માટે દાવો કરવાનો અધિકાર મૃતકના વારસદારોને મળતો નથી. બદનક્ષી એ વ્યકિતગત પગલું છે, જે વ્યકિત સાથે મૃત્યુ પામે છે. આ સંજોગોમાં નીચલી કોર્ટનો હુકમ ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ ઉપરોકત હુકમ કર્યો હતો.