મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં આવો કાયદો પણ ગુજરાતમાં કેમ નહીં? હાઈકોર્ટે સરકારથી જવાબ માગ્યો
PIL against Superstition: ગુજરાતમાં અંધશ્રધ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકાર, રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલે સરકારનો જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.
હાઈકોર્ટે રાજય સરકાર પાસેથી જવાબ માંગ્યો
હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રધ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રધ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન અને આસામમાં આ સંબંધિત કાયદા છે, પરંતુ ગુજરાત રાજયમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી.
તેથી વિશાળ જનહિતમાં અને પ્રજાની સુરક્ષા અને વિશ્વાસપૂર્તિ માટે ગુજરાતમાં આ અંગેના કાયદાની અમલવારી લાગુ થવી જોઈએ. અરજદારપક્ષ તરફથી અંધશ્રધ્ધા અને કાળા જાદુ સંબંધી કેટલાક સંવેદનશીલ બનાવો પણ ટાંક્યા હતા.
મહારાષ્ટ્રમાં અંધશ્રધ્ધા નિમૂલન કાયદો બનવવામાં આવ્યો
ખાસ કરીને મહારાષ્ટ્રમાં તો, પ્રિવેન્શન એન્ડ એડ્રીકેશન ઓફ હ્યુમન સેક્રીફાઈસ એન્ડ અધર ઇનહ્યુમન એવિલ એન્ડ અધોરી બ્લેક મેજિક એક્ટ બનાવાયો છે. મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિમૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દૌલકરીના હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્રમાં આ કાયદાને લઈ વટહુકમ બહાર પડાયો હતો અને બાદમાં વિધાનસભામાં પસાર કરાયો હતો.
ગુજરાતમાં પણ આ કાયદો અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી
અંધશ્રધ્ધા, કાળા જાદુ કે મેલી વિદ્યા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વધુ ભોગ બનતા હોય છે પરંતુ સમાજના અન્ય વર્ગો પણ એક યા બીજી રીતે તેમાં પીસાતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં પણ આ અંગેના કાયદા અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી છે. અરજદારપક્ષ તરફથી ગુજરાતના અંધશ્રધ્ધાને લગતા કેટલાક બનાવોને પણ ટાંકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હરણી બોટ કાંડ જેવી ઘટનાઓ રોકવા હાઈકોર્ટનું સૂચન, જળાશયોમાં વોટર પોલીસ તહેનાત કરવી જોઈએ