ગુજરાત હાઇકોર્ટે સરકારને 'પાઠ ભણાવ્યો', ફાયર સેફટી મામલે ઝાટકણી કાઢતા કહ્યું- 'ચેકિંગ કરવા કહ્યું હતું, નહીં કે...'
Gujarat High Court on Fire Safety : રાજ્યમાં પ્રી-સ્કૂલમાં ફાયર સેફ્ટીને લઈને હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેક કરવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. પરંતુ ફાયર સેફ્ટીના અમલને લઈને સરકાર દ્વારા કોઈ પ્રકારનું જાહેરનામું બહાર પડાયું ન હતું. તેવામાં ફાયર સેફ્ટી નહિ હોવાથી ઑથોરિટીએ પ્રી-સ્કૂલ બંધ કરાવી દેવાતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, 'તમને સ્કૂલો બંધ કરવા નહીં, ફાયર સેફ્ટીનું અમલીકરણ કરવા જણાવ્યું છે.'
અમે શાળામાં વહેલી તકે ફાયર સેફ્ટી લાગે એ માટે કામ કરીએ છીએ
આ સમગ્ર મામલે કોર્ટે સરકારી વકીલને બોલાવી આ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. ફાયર સેફ્ટીને લઈને એડવોકેટ જનરલે કહ્યું કે, 'ફાયર સેફ્ટીને લઈને કોઈ સ્કૂલ બંધ કરવામાં આવશે નહીં અને અમે કોઈ સ્કૂલ બંધ કરવા પણ જણાવ્યું નથી એટલે કોઈ સ્કૂલ બંધ પણ થવી ન જોઈએ. ઉપરાંત, ફાયર સેફ્ટી માટે જે સ્કૂલમાં પાણીની ટાંકી રાખવાની છે તેના ધાબાની છત નબળી હોવાથી નીચે સિન્ટેક્સની ટાંકી મુકીને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરવા જણાવવામાં આવ્યું છે. આમ અમે શાળામાં વહેલીતકે ફાયર સેફ્ટી લગાવવામાં તે માટે કામ કરીએ છીએ. જેને લઈને અધિકારીઓ ફાયર સેફ્ટીની સચોટ ગાઈડલાઈ બનાવી તેનો અમલ કરાવવા જણાવવામાં આવ્યું છે. '
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પર 8મી ઓગસ્ટ સુધી રોક લગાવી
કોર્ટનો આદેશ છે એટલા માટે કામ કરવુ પડશે એવું વલણ ના રાખશો
રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને હાઈકોર્ટે સખ્ત વલણ દાખવ્યું છે. જેમાં કોર્ટે કહ્યું કે, 'ફાયર સેફ્ટીના અધિકારીને રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને યોગ્ય તપાસ કરીને તેના અહેવાલ રજૂ કરીને સચોટ કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં સ્કૂલોને ફાયર સેફ્ટીની જાણકારી આપી યોગ્ય પગલા લેવા કહ્યું હતું. આ ઉપરાંત, કોર્ટનો આદેશ છે એટલા માટે કામ કરવુ પડશે એવું વલણ ના રાખશો.
150 સીલ કરાયેલી પ્રી-સ્કૂલોને ખોલવા શરતી મંજૂરી આપી
રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર NOC વિનાના કાફે, ગેમ ઝોન, શાળા અને પ્રી-સ્કૂલો સહિતની જગ્યાને મ્યુનિસિપલ કોર્પોરેશને 23 દિવસ પહેલા સીલ કરી હતી. ફાયર સેફ્ટીને લઈને 150થી વધુ સ્કૂલોને અમાદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. જે તમામ પ્રિ-સ્કૂલોને ખોલવા માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. જેમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાંયધરી પત્ર અને ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આમ તેમાં સર્ટિફિકેટ આવ્યા પછી સીલ ખોલવા જણાવ્યું હતું. આ સ્કૂલનું બાંધકામ વ્યવસ્થિત રાખવા કહ્યું હતું. બીજી તરફ, સ્કૂલમાં કોઈપણ ઘટના બનશે તેની જવાબદારી સ્કૂલ સંચાલકોને રહેશે તેમ જણાવ્યું હતું.